કપાસના પાકને રોગચાળો : મહારાષ્ટ્ર સરકારે એસઆઈટીની રચના કરી

કપાસના પાકને રોગચાળો : મહારાષ્ટ્ર સરકારે એસઆઈટીની રચના કરી
મુંબઈ, તા. 9 ફેબ્રુ.
મોન્સાન્ટો અને અન્ય અગ્રણી બિયારણ કંપનીઓના ઉતરતી ગુણવત્તાના જેનેટીકલી કપાસ બિયારણ, જેનાથી કપાસના પાકમાં રોગ ફેલાતો હોવાથી તેનાં ઉત્પાદન, વહેંચણી અને સંગ્રહમાં કંપનીઓની ભૂમિકાની તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે.
નાગપુરમાં વિધાનસભાના સત્ર દરમિયાન ઉહાપોહ થવાને પગલે રાજ્ય સરકારના કૃષિ વિભાગે એસઆઈટીની રચના કરવાનું નક્કી કર્યું છે. એસઆઈટીની ટીમમાં સ્ટેટ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના કમિશનર સંજય બર્વે અને જોઇન્ટ ડિરેક્ટર (કૃષિ) સુભાષ નાગ્રે સામેલ છે.
એસઆઈટીની બિયારણ કંપનીઓમાં વિશેષરૂપે `મહાયકો મોન્સાન્ટો બાયો-ટેક'ની કામગીરીની વિગતવાર તપાસ હાથ ધરશે. વધુમાં એસઆઈટી હરબીસાઇડ - ટોલરન્ટ ટ્રાન્સજેનિક બીટી કોટન બિયારણના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણમાં અન્ય કંપનીઓની કામગીરીની પણ તપાસ કરશે, એમ મહારાષ્ટ્રના અતિરિક્ત મુખ્ય સચિવ (કૃષિ) બિજય કુમારે કહ્યું હતું.
મરાઠવાડાના વિદર્ભ પ્રાંતમાં વ્યાપક અને ઉત્તર મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં ઉતરતી કોટીના બિયારણને લીધે કપાસના પાકને ગંભીર અસર થઈ છે. મહારાષ્ટ્ર વિધાનમંડળના શિયાળુ સત્રમાં આ પ્રશ્ન ઉઠાવાયો હતો. વિરોધ પક્ષના નેતાઓના જણાવવા મુજબ સરકારને ઉતરતી ગુણવત્તા ધરાવતા બીટી કપાસ બિયારણ `બીજી થ્રી' બાબતે જાણ હતી પરંતુ ખાનગી કંપનીઓના દબાણને લીધે શાંત રહી હતી. સરકાર પર આક્ષેપ થવાથી તપાસ કરવાની જાહેરાત કરાઈ હતી.
અમારા ધ્યાનમાં આવ્યું છે કે ઘણી કંપનીઓએ ટ્રાન્સજેનિક ગ્લાયફોસેટ સહનશીલ લાક્ષણિકતા ધરાવતા બીજી થ્રી બિયારણનું ઉત્પાદન કર્યું હતું. આમાં પાંચ જેટલી કંપનીઓ દોષિત હોવાનું જણાયું હતું, એમ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ અૉફ કોટન રિસર્ચ (સીઆઈસીઆર)ના અહેવાલમાં જણાવાયું છે અને આ ઉલ્લંઘનનો કેસ છે. કેમ કે જેનેટિક એન્જિનિયરિંગ અપ્રેઝલ કમિટી (જીઈએસી)ની પરવાનગી લેવાઈ નહોતી, એમ કુમારે કહ્યું હતું.
તે દરમિયાન, વિરોધ પક્ષોએ સેન્ટ્રલ બ્યુરો અૉફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઈ)ની તપાસ કરવાની માગણી કરી હતી. આગામી બજેટસત્ર બે સપ્તાહમાં યોજાવાનું હોવાથી રાજ્ય સરકારે એસઆઈટીની ઉતાવળે રચના કરી છે. અમે ડિસેમ્બરમાં વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને  આ માટે સરકારની કામગીરી મંદ ગતિએ થઈ રહી છે તે સ્પષ્ટ જણાઈ આવે છે, એમ વિરોધપક્ષના નેતા ધનંજય મુંડેએ કહ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer