સૌરાષ્ટ્રમાં કાંદાની સિઝન જામતાં ભાવ નરમ

સૌરાષ્ટ્રમાં કાંદાની સિઝન જામતાં ભાવ નરમ
કાંદાના નિકાસ થતાં કન્ટેઇનરોમાં કસ્ટમ વિભાગનું સીલિંગ ચાલુ રાખવા માગ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 9 ફેબ્રુ.
નિકાસ થતા કન્ટેઇનરોમાં સેલ્ફ સિલિંગનો નિયમ હાલમાં લાગુ કરવામાં આવ્યો છે તેના કારણે કાંદાની ગુણવત્તાને માઠી અસર થતી હોવાથી કાંદા સહિતની નાશવંત કૉમોડિટીઝમાં જૂનો નિયમ લાગુ કરવાની માગણી મહુવાના કાંદાના સપ્લાયરોએ કરી છે.
નિકાસ થતા કન્ટેઇનરોમાં અત્યાર સુધી કસ્ટમ-એક્સાઇઝ વિભાગ દ્વારા ચેકિંગ અને સિલિંગ કરવામાં આવતું હતું. પરંતુ હવે સપ્લાયર કે નિકાસકાર પોતે ચેકિંગ કરીને કન્ટેઇનરનું સીલ કરી શકે છે. સેલ્ફ સિલિંગ સારી બાબત છે પરંતુ કાંદા જેવી બાબત માટે નુક્સાન કારક છે. કારણકે કસ્ટમ વિભાગ દ્વારા સેલ્ફ સિલિંગના 30-40 ટકા જેટલા કન્ટેઇનરો ફરીથી ચેકિંગ માટે ખોલવામાં આવે છે. કાંદા નાશવંત છે એટલે ફરી કન્ટેઇનર ખૂલે તો બગાડ સર્જાય છે એટલે જૂની પદ્ધતિ ચાલુ  રાખવી જોઇએ તેમ વેપારીઓએ જણાવ્યું છે.
દરમિયાન કાંદામાં અત્યારે નવી સિઝન બરાબર જામવા લાગી છે. સૌરાષ્ટ્રમાં શિયાળુ રોપલીની આવક શરૂ થતા છૂટક બજારમાં કાંદાનો ભાવ એક કિલોએ રૂા.22-28 સુધી આવી ગયો છે. ગયા મહિને કાંદા રૂા.40-42 સુધી વેંચાતી હતી. ભારે તેજી થયા પછી સૌરાષ્ટ્રમાં શિયાળુ વાવેતર ખૂબ સારું થયું છે એટલે માર્ચમાં ભાવ વધુ નીચો આવશે તેવું વેપારીસૂત્રો કહે છે. વપરાશકારોને કાંદા ફરીથી રૂા.15-20માં મળવાની શક્યતા છે.
મહુવા, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં ધોરાજી-ઉપલેટા તથા પાનેલી તરફ નવી શિયાળુ કાંદાની આવકો પંદર વીસ દિવસથી થાય છે. મહુવામાં શિયાળુ કાંદાની મહત્તમ આવકો રહેતી હોય છે. યાર્ડમાં રોજ 25-30 હજાર ગુણી આવવા લાગી છે. લગ્નગાળો છે એટલે આવક ઓછી છે પણ હવે તે ધીરે ધીરે એક લાખ ગુણીનો આંકડો વટાવી જશે.
ગુજરાતના કૃષિ ખાતાના આંકડાઓ પ્રમાણે 45,500 હેક્ટરમાં વાવણી થઇ છે. ગયા વર્ષમાં 40,400 હેક્ટરમાં વાવેતર હતું. વાવણી પછી હવામાન સારું હતું એટલે પાક પણ ઊંચો આવશે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ઉત્પાદન વધુ છે.
મહુવા યાર્ડમાં બે દિવસમાં રૂા.70-80નો સુધારો બિહાર, આસામ અને બંગાળની માગ નીકળવાને લીધે આવી ગયો છે. મધ્યપ્રદેશના માલ નબળા નીકળવાને લીધે મહુવામાં ઘરાકી વધી છે. બે દિવસ પહેલા મણે રૂા.250-325માં વેચાઇ હતી. એ કાંદા શુક્રવારે રૂા.380-400માં વેચાઇ હતી. ગયા મહિને હરાજીમાં રૂા.400-590 સુધીનો ભાવ હતો. 
વેપારીઓના મતે હોળી સુધી બજારમાં હવે મોટી વધઘટ નહીં આવે એ પછી ભાવ તૂટવાની પૂરતી શક્યતા છે. રાજસ્થાનનો પાક મે માસમાં આવશે. મહારાષ્ટ્રમાં નાશિકની આવકો પણ હવે સારી રીતે થઇ રહી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer