સોનાનાં ખાણકામને ઉત્તેજન આપવા વિચારણા

સોનાનાં ખાણકામને ઉત્તેજન આપવા વિચારણા
સોનાનાં ખાણકામને પ્રોત્સાહન આપવા સરકાર વિચારણા કરી રહી છે, એમ આર્થિક બાબતોના વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. જેને આખરી રૂપ અપાઈ રહ્યું છે તેવી સોના માટેની વ્યાપક નીતિના ભાગરૂપ આ પ્રસ્તાવ પર વિચાર કરાઈ રહ્યો છે. ખાણકામ અગ્રતાનો પ્રશ્ન છે કે કેમ અને વન અને ખાણકામ મંત્રાલયનાં મંતવ્ય ગણતરીમાં લેવાશે કે નહીં તે હજી સ્પષ્ટ નથી.
ઉદ્યોગોના નિષ્ણાતોએ સરકારને તેના જ અહેવાલનો હવાલો આપતાં જણાવ્યું હતું કે જો ખાણકામને પ્રાથમિકતા અપાય અને સરળતાથી મંજૂરી અપાય તો દેશમાં વર્ષે ઓછામાં ઓછું 100 ટન સોનું નીકળી શકે તેમ છે. હાલ ભારત વર્ષે માત્ર બે ટન સોનાનું ઉત્પાદન કરે છે.
`એ જરૂરી છે કે કેન્દ્રીય અંદાજપત્રમાં પ્રસ્તાવિત સુવર્ણ નીતિમાં ખાણકામથી લઈને બજાર સુધીની સમગ્ર પુરવઠાની શ્રેણીને સામેલ કરાય.
સોના, ચાંદી અને આભૂષણોનાં નિયમન વિશે ઘણું કહેવાયું છે, પરંતુ હવે દેશમાં સોનાના ખાણકામને લઈને ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે', એમ ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલરી ઍસોસિયેશનના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાનું કહેવું છે. એમણે વધુમાં જણાવ્યું હતું કે આથી વિદેશી હૂંડિયામણ બચશે અને ખાણકામ તેમ જ રિફાઇનિંગ ક્ષેત્રે રોજગારીનું સર્જન પણ થશે.
પહેલી ફેબ્રુઆરીએ અંદાજપત્રના ભાષણમાં નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે સોના માટે એક સર્વાંગી નીતિ ઘડાઈ છે. આ નીતિમાં સોનાની ખરીદીથી લઈને વેપાર અને રોકાણ સુધીની દરેકેદરેક બાબતનો વિચાર કરાયો હશે. જોકે નિષ્ણાતોએ એવો અભિપ્રાય આપ્યો છે કે દેશમાં સોનાના ખાણકામને પ્રોત્સાહિત કર્યા વગર આ નીતિ અધૂરી ગણાશે.
 કેન્દ્રીય ખાણકામ મંત્રાલય દ્વારા સોના તેમ જ કીમતી ધાતુઓ પર રચાયેલ એક નિષ્ણાત જૂથના અહેવાલ અનુસાર 2011માં ભારતની ભૂમિમાં 658 ટન સોનું હતું જે 13 રાજ્યોમાં પથરાયેલું હતું. આમાંથી લગભગ 167 ટન (139 ટન કર્ણાટકમાં અને 27.5 ટન આંધ્ર પ્રદેશમાં) સોનાનું ખોદકામ આર્થિક રીતે કરવું પોસણક્ષમ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer