એટીએમ શરૂ કરવા હવે બૅન્કોને સબસિડી નહીં મળે : આરબીઆઈ

એટીએમ શરૂ કરવા હવે બૅન્કોને સબસિડી નહીં મળે : આરબીઆઈ
મુંબઈ, તા.9 ફેબ્રુ.
રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ જાહેરાત કરી છે કે બૅન્કોને હવે ઓટોમેટેડ ટેલર મશીન્સ (એટીએમ) અને કૅશ- રિસાઈકલર મશીન્સ (સીઆરએમ) શરૂ કરવા માટે સબસિડી આપવામાં આવશે નહીં. આ નિર્ણય લેવા પાછળનો હેતુ દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સનું પ્રમાણ વધારવાનું પણ છે. 
હાલમાં આરબીઆઈ મશીનની કિંમતના 50 ટકા અથવા રૂા.2 લાખ, બંનેમાંથી જે પણ સસ્તું હોય તે ઉપર, જ્યારે શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મશીનની કિંમતના 60 ટકા અથવા રૂા.2.5 લાખની સબસિડી આપે છે. 
આરબીઆઈએ જણાવ્યું કે, `લેસ-કૅશ' અર્થતંત્ર બનાવવા તેમ જ બૅન્કનાં ચલણનાં કામમાં ટેકનૉલૉજીને પ્રોત્સાહન આપવા માટે સબસિડીની યોજના આપવામાં આવી છે, પરંતુ હવે આ લક્ષ્ય મોટા ભાગે પૂર્ણ થઈ ગયું હોવાથી આ પ્રોત્સાહનો પાછાં ખેંચવામાં આવી રહ્યાં છે. 
જુલાઈ 2016ના માસ્ટર પરિપત્રની વિધી ગયા વર્ષના ઓગસ્ટમાં પૂર્ણ થતાં આરબીઆઈએ અૉગસ્ટ 2017માં બૅન્કોને કૅશ રિસાઈકલ અને એટીએમ લગાડવાં માટે સબસિડી આપવાનું  બંધ કર્યું હતું. 
હિટાચી પેમેન્ટ સર્વિસીસના એમડી લોની એન્થનીએ જણાવ્યું હતું કે, આરબીઆઈએ શા માટે આ બધા માટે સબસિડી આપવી જોઈએ એ માટેનું કારણ મને સમજાતું નથી. મશીનોની જરૂરિયાત વ્યાપારી કારણો માટે હોય છે, જેનાથી ખર્ચમાં બચત થાય. મને નથી લાગતું કે બૅન્કોને આપવામાં આવતાં આ પ્રોત્સાહન પ્રમાણમાં એટલાં મોટા છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer