એટીયુએફ હેઠળ પાવરલૂમ ક્ષેત્રની સબસિડી વધારવાની માગણી

એટીયુએફ હેઠળ પાવરલૂમ ક્ષેત્રની સબસિડી વધારવાની માગણી
બજેટમાં ટેક્સ્ટાઇલ માટે વધુ ફાળવણીને આવકાર અને
કેન્દ્ર સરકારે 2016માં રૂા. 6000 કરોડનું સ્પેશિયલ એપરલ પૅકેજ જાહેર કર્યું હતું અને 2018-19ના બજેટમાં ટેક્સ્ટાઇલ ક્ષેત્ર માટે રૂા. 7148 કરોડની જોગવાઈ જાહેર કરી છે. આરઓએસએલ હેઠળ બજેટની ફાળવણી રૂા. 1855 કરોડથી વધારી રૂા. 2164 કરોડ કરાઈ છે. આ વધારાથી મેઇડ અપ્સ અને એપરલ્સના નિકાસકારો તેમનું બેકલોગ ક્લીયર કરી શકશે અને વર્કિંગ કેપિટલની રાહત થશે, એમ ધી પાવરલૂમ ડેવલપમેન્ટ ઍન્ડ એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સીલના અધ્યક્ષ પુરુષોત્તમ કે. વાંગાએ જણાવ્યું હતું.
ટફ સ્કીમ હેઠળના ફંડની ફાળવણી જે ગયા વર્ષે રૂા. 2013 કરોડની હતી તે વધારી રૂા. 2300 કરોડ કરાઈ છે. આ ફાળવણી હજી વધુ વધારવી જોઇતી હતી. એટીયુએફ હેઠળની પાવરલૂમ ક્ષેત્ર માટેની સબસિડી જે 10 ટકા છે તે વધારી 30 ટકા કરવાની પીડીક્સીલે માગણી કરી હતી પણ તે માગણી સ્વીકારાઈ નથી, એમ વાંગાએ  જણાવ્યું હતું.
એચએસ કોડ 5007 હેઠળ સિલ્ક કાપડના કસ્ટમ ડયૂટીના દર 10 ટકાથી વધારી 20 ટકા કરાયા હોવાથી સ્થાનિક સિલ્ક કાપડ ઉદ્યોગને ઉત્તેજન મળશે, એમ તેમણે જણાવ્યું હતું.
ટેક્સ્ટાઇલના એસએમઈ ક્ષેત્ર માટે 3 વર્ષ માટે નવા કર્મચારીઓ માટેનો 12 ટકા ફાળો સરકાર આપશે અને મહિલા કર્મચારીઓ માટેનો હિસ્સો ઘટાડી 8 ટકા કરાયો છે. આ આવકાર્ય પગલું છે જે રોજગારની તકો વધારશે.
કેન્દ્રીય કૉમર્સ મંત્રાલય બધા હિતધારકોને આવરી લેવા સિંગલ વિંડો અૉનલાઇન માર્કેટિંગ પ્લેસ તરીકે નેશનલ લોજીસ્ટીક પોર્ટલ વિકસાવી રહ્યું છે. આથી ટ્રાન્સપોર્ટેશનમાં અને માલની હેરફેરમાં સરળતા વધશે. દેશમાં સારા લોજીસ્ટીક ટેકાથી ભારતીય નિકાસકારોનું સ્પર્ધાત્મક સામર્થ્ય વધી શકશે, એમ પીડીક્સીલે જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer