ઈન્કમ ટૅક્સનું છેલ્લું અલ્ટિમેટમ : 31 માર્ચ

ઈન્કમ ટૅક્સનું છેલ્લું અલ્ટિમેટમ : 31 માર્ચ
બૅન્કમાં ભરેલાં કાળાં નાણાંને ડિક્લેર કરવા માટે
નવી દિલ્હી, તા. 9 ફેબ્રુ.
આવકવેરા વિભાગે જણાવ્યું છે કે જો તમે ડિમોનેટાઈઝેશન દરમ્યાન પોતાના બૅન્ક ખાતામાં મોટી બિનહિસાબી રોકડ જમા કરાવી હોય, તો તમારી પાસે હજુ `ચોખ્ખા' થવાની તક છે. તમે 31મી માર્ચ, 2018 સુધીમાં સુધારેલું કે મોડું રિટર્ન ફાઈલ કરી શકો છો.
આવકવેરા વિભાગે અગ્રણી અખબારોમાં જાહેરાત દ્વારા જણાવ્યું છે કે નાણાં વર્ષ 2015 - 16 અને 2017 - 18 માટે સુધારેલા અથવા તો મોડાં રિટર્ન ફાઈલ કરવા માટે કરદાતાઓ પાસે 31.03.2018 સુધીનો સમય છે. અગાઉ 8મી નવેમ્બર, 2016એ રૂા. 500 અને રૂા.1,000ની નોટબંધી પછી લોકોએ પોતાની પાસે રોકડ સ્વરૂપે પડેલી આ બે પ્રકારની ચલણી નોટો બૅન્કોમાં જમા કરવાની હતી. તે પછી કરવેરા વિભાગે બિનહિસાબી મોટી રોકડ રકમ જમા કરાવી હોય, તેવા લોકો પાસેથી પોતાની સાઈટના માધ્યમથી પ્રત્યુત્તર માગ્યો હતો.
આજે પ્રકાશિત કરાયેલી જાહેરાતમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જે લોકોએ મોટી કે બિનહિસાબી રોકડ જમા કરાવી હોય અથવા તો કોઈ મોટી રકમની લેવડ-દેવડ કરી હોય, જે રિટર્નમાં દર્શાવાઈ ન હોય, તે લોકો હજુ પણ રિટર્ન મોડેથી ફાઈલ કરવા માટે જો વ્યાજ પેટે કોઈ રકમ ચૂકવવી પડતી હોય, તો તે ચૂકવીને સુધારેલું કે મોડું રિટર્ન (આઈટીઆર) ફાઈલ કરીને પોતાને `ચોખ્ખા' કરી શકે છે. 
મોટી બિનહિસાબી રોકડ રિટર્ન મારફતે જાહેર કરવા ઈચ્છતા લોકોએ રિટર્ન મોડું ફાઈલ કરવા માટે કલમ 234એ હેઠળ એક ટકા પ્રતિ મહિના - વર્ષે 12 ટકા લેખે વ્યાજ ચૂકવવું પડશે. 
એચ એન્ડ આર બ્લોક ઈન્ડિયાના કરવેરા સંશોધન વિભાગના વડા ચેતન ચાન્ડાકે જણાવ્યું હતું કે પોતે જાતે જ આગળ આવવું અને આઈટીઆરમાં સાચી માહિતી આપવી એ કરદાતાના હિતમાં છે.
વર્ષ 2017ના બજેટમાં આઈટીઆર ફાઈલ કરવાની સમયમર્યાદા બે વર્ષથી ઘટાડીને એક વર્ષ કરવામાં આવી હતી. એ પછી, જો તમે આખરી મુદત ચૂકી ગયા હો, તો આવક વેરા વિભાગ તમને નોટિસ મોકલી શકે છે અને કરવેરા નહીં ચૂકવવા માટે દંડ પણ કરી શકે છે. આ દંડની રકમ કરપાત્ર રકમના 50 ટકાથી 200 ટકા સુધી હોઈ શકે છે. આ ઉપરાંત પણ કરવેરાની મોડી ચુકવણીનું વ્યાજ પણ આપવું પડે છે, જે કરવેરો ચુકવાય નહીં ત્યાં સુધી સતત વધતું રહે છે.
નિષ્ણાતોના મતે, જો કોઈ વ્યક્તિએ બિનહિસાબી આવક જમા કરાવી હોય, તો તેણે હવે પાછલા આઈટીઆરમાં સુધારો કરેલું આઈટીઆર ભરવું પડશે, જેમાં આ આવક ઉપર કરવેરા ચુકવવા ઉપરાંત, વ્યાજ અને દંડની રકમ (જો લાગુ પડતા હોય તો)પણ ચુકવવી પડશે. જોકે, આવકવેરા વિભાગની આકારણી અથવા દરોડામાં પકડાયા પછી ચુકવવી પડતી રકમ કરતાં ચૂકવવાપાત્ર કરવેરા, વ્યાજ અને દંડની કુલ રકમ ઓછી હશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer