રવી પાકના વાવેતરમાં સાધારણ ઘટાડો


ઘઉં, જાડા ધાન્ય અને તેલીબિયાનું વાવેતર ઘટયું, ચોખા અને કઠોળનું વધ્યું

નવી દિલ્હી, તા. 13 ફેબ્રુ.
રવી પાકનો વાવેતર વિસ્તાર 9 ફેબ્રુઆરીના રોજ શુક્રવાર સુધીમાં, ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં સરખામણીએ સાધારણ ઓછો રહ્યો છે, એમ કૃષિ મંત્રાલયના આંકડા જણાવે છે.
ખેડૂતોએ અત્યાર સુધીમાં 642.88 લાખ હેક્ટરમાં વાવેતર કર્યું છે જે ગયા વર્ષના સમાન સમયે 648.19 લાખ હેક્ટરમાં કરાયું હતું.
વાવેતર વિસ્તારમાં 13.59 લાખ હેક્ટરના મહત્તમ ઘટાડા સાથે ઘઉંનો વાવેતર વિસ્તાર 304.29 લાખ હેક્ટર રહ્યો છે એમ કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું. જોકે કઠોળ અને ચોખાનો વાવેતર વિસ્તાર વધવાથી એકંદર ઘટાડો મર્યાદિત રહ્યો હતો જ્યારે ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીએ કઠોળનો વાવેતર વિસ્તાર 5.19 ટકા વધીને 169.10 લાખ હેક્ટર રહ્યો છે ચોખાનું વાવેતર પણ 4.57 લાખ હેક્ટર વધીને 31.89 લાખ હેક્ટરમાં થયું છે.
અત્યાર સુધીમાં તેલીબિયાંનો કુલ વાવેતર વિસ્તાર ગયા વર્ષના 84.85 લાખ હેક્ટરથી ઓછો 80.87 લાખ હેક્ટર રહ્યો છે. જાડા ધાન્યોનું વાવેતર પણ 57.24 લાખ હેક્ટરથી ઓછું 56.73 લાખ હેક્ટરમાં થયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer