માગ વધતાં પોલિશ્ડ હીરાનું વેચાણ વધ્યું


મુંબઈ, તા. 13 ફેબ્રુ.
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારના ઝવેરાત ઉત્પાદકોની માગ વધતાં છેલ્લાં બે અઠવાડિયામાં પોલિશ્ડ હીરાના ભાવમાં ત્રણથી ચાર ટકાનો વધારો થયો છે. બેન્ચમાર્ક સુરત બજારમાં વીવીએસ ગુણવત્તાના પોલિશ્ડ હીરા પ્રતિ સેન્ટ (કેરેટનો 100મો ભાગ) રૂા.3220ના ભાવે વેચાતા હતા. 
હાલની નબળી મોસમમાં આ વધારો અસામાન્ય છે. નાતાલ અને નવા વર્ષમાં 45 દિવસની તેજી બાદ વૈશ્વિક ગ્રાહકો નવી ખરીદીથી દૂર થયા છે. પરંતુ અમેરિકામાં આર્થિક વિકાસ અને ઈક્વિટી સૂચકાંકોમાં ઉછાળાને લીધે લોકોની ખરીદશક્તિ વધી છે. 
છેલ્લા કેટલાંકે અઠવાડિયાથી હીરા અને હીરા જડિત ઝવેરાતની માગમાં પણ વધારો થયો છે, એમ ગીતાંજલિ જેમ્સના મેનેજિંગ ડિરેક્ટર મેહુલ ચોક્સીએ જણાવ્યું હતું. અમેરિકાના વ્યાપાર ખાતાના આંકડા મુજબ કિંમતી ઘરેણાં, ઝવેરાત અને ઘડિયાળના વેચાણમાં નવેમ્બરમાં 8.4 ટકાનો વધારો થયો છે, જે છેલ્લાં 12 મહિનામાં સૌથી વધુ વધારો છે. નવેમ્બર 2016માં 7.6 ટકાનો વધારો થયો હતો. નિષ્ણાતોની ધારણા છે કે ડિસેમ્બરમાં પણ વેચાણ વાર્ષિક ધોરણે વધશે. 
વૈશ્વિક ધોરણે હીરાની ખરીદીમાં અમેરિકાનો ફાળો 40 ટકા જેટલો છે. ભારતીય ડાયમંડ પ્રોસેસર્સ અને ઝવેરાત ઉત્પાદકો સ્થાનિક માગને પૂરી કરવા માટે રફ અને પોલિશ્ડ બંનેની આયાત કરી રહ્યા છે. તે ઉપરાંત હીરાની સંપૂર્ણ  મૂલ્ય સાંકળમાં જીએસટી અગાઉના ત્રણ ટકાથી જીએસટી ઘટીને 0.25 ટકા થતાં પણ માગમાં વધારો થયો છે. જોકે, ઉદ્યોગની ફરિયાદ છે કે જીએસટીના રિફંડમાં વિલંબના લીધે હજી પણ કાર્યકારી મૂડી અટવાયેલી રહે છે.
આ વિલંબની અસર હીરાના પ્રોસેસિંગ ઉપર પડે છે. નાના અને મધ્યમ એકમો ઉપર તેની વધુ  પ્રતિકૂળ અસર પડશે, એમ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર સભ્યસાચી રેએ જણાવ્યું હતું. 
કાઉન્સિલના આંકડા મુજબ ગયા મહિને ભારતની રફ હીરાની આયાત 207.61 કેરેટ (રૂા.139.8 અબજ) હતી, જે ગત વર્ષના સમાન મહિનામાં 108.45 કેરેટની હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer