બીટી કપાસિયાની રોયલ્ટી રદ કરવા બિયારણ ઉત્પાદકોની માગણી

 
હૈદરાબાદ, તા. 13 ફેબ્રુ.
આવતા ખરીફ પાકની ઉત્પાદન સામગ્રીના વેચાણની મોસમ નજીક આવી રહી છે ત્યારે બીટી કપાસિયા બનાવનાર બિયારણ કંપનીઓએ બોલગાર્ડ-2 કપાસિયા પરની રોયલ્ટી (ટ્રેઇટ વેલ્યૂ) રદ કરવાની માગણી કરી છે.   
કપાસનું ઉત્પાદન કરતાં રાજ્યોમાંથી એવા અહેવાલો આવ્યા છે કે ગુલાબી ઇયળે બોલગાર્ડ-2 કપાસિયા સામે પ્રતિરોધક શક્તિ કેળવી લીધી હોવાથી અનેક સ્થળોએ પાકને વ્યાપક નુકસાન થયું છે.  બિયારણ કંપનીઓએ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે પ્રસ્તુત બિયારણ ગુલાબી ઈયળના હુમલાથી પાકનું રક્ષણ કરવામાં નિષ્ફ્ળ ગયું હોવાથી તેના વપરાશ માટે ખેડૂત પાસેથી રોયલ્ટી લેવાનો કોઈ અર્થ નથી.  
કોટનસીડ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર મારફત બોલગાર્ડ-2 કપાસિયા પરની રોયલ્ટી 450 ગ્રામના પેકેટ દીઠ રૂ. 49 ઠરાવાઈ હતી. બિયારણ કંપનીઓ આ રોયલ્ટીની રકમ ભાવમાં ઉમેરીને ખેડૂતો પાસેથી વસૂલ કરી લે છે અને મહાયકો મોન્સાન્ટો બાયોટેક લિમિટેડ (એમએમબીએલ)ને મોકલી આપે છે. એમએમબીએલને અમેરિકન બહુરાષ્ટ્રીય કંપની મોન્સાન્ટો પાસેથી જે બિયારણ મળે છે તેના ઉત્પાદન માટેનું લાઈસંસ તે સ્થાનિક બિયારણ કંપનીઓને આપે છે. આવી કંપનીઓના સંગઠન નેશનલ સીડ એસોસિયેશન ઇન્ડિયાના પ્રમુખ એમ. પ્રભાકર રાવ અને બે ઉદ્યોજકો  ભાસ્કર રાવ અને સમીર મૂળે સહિતના એક પ્રતિનિધિમંડળે કૃષિપ્રધાન રાધામોહન સિંઘને તાજેતરમાં એક આવેદનપત્ર આપ્યું હતું.  
બિયારણની નિષ્ફ્ળતા માટે એમએમબીએલનો દોષ કાઢતાં આવેદનપત્ર જણાવે છે કે પાકને થયેલા નુકસાન માટે બિયારણ ઉત્પાદકો અને વિતરકોને સજા કરાઈ રહી છે, જ્યારે એમએમબીએલ જવાબદારી ખંખેરીને છટકી જાય છે. 
ગુલાબી ઇયળે વિકસાવેલી પ્રતિરોધશક્તિ સાથે બિયારણને કશી લેવાદેવા નથી એમ કહીને એસોસિયેશને ઉમેર્યું હતું કે મોન્સાન્ટોની ટૅક્નોલૉજી નિષ્ફ્ળ ગઈ હોવાથી આમ બન્યું હતું. `બીટી કપાસિયાના છોડના પ્રોટિન સામે જીવાતે પ્રતિકારશક્તિ કેળવી લીધી છે કેમ કે આ જીવાતમાં બદલાતી પરિસ્થિતિને અનુકૂળ થવાની કુદરતી શક્તિ રહેલી છે.'  
`પાકને થયેલા નુકસાન બદલ જો કોઈ વળતર આપવું પડે તો તે બિયારણનું સંશોધન કરનાર એમએમબીએલે આપવું જોઈએ, નહીં કે સ્થાનિક બિયારણ કંપનીઓએ. મહારાષ્ટ્રમાં વેચાયેલા 99 ટકા કપાસિયા બોલગાર્ડ-2 ટ્રેઇટ ધરાવે છે જેના પર એમ એમ બી એલ દર વર્ષે બિયારણ કંપનીઓ પાસેથી રોયલ્ટી વસૂલ કરે છે,' એમ આવેનપત્ર જણાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer