તારખીલામાં પ્રાથમિક દબાણ પછી ભાવ સ્થિર

 
એપ્રિલ સુધી ઘટવાની શક્યતા નહિવત્

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 ફેબ્રુ.
લોખંડ તારખીલા બજારમાં ઘરાકીનું જોર ઓસરતાં ભાવ પર દબાણ છે. અગાઉના મહિનામાં રોલિંગ માલના ભાવ પણ મુખ્ય લોખંડ સાથે વધતા રહ્યા હતા. જેથી મુખ્યત્વે રાયપુર રોલિંગ માલમાંથી બનતી તારખીલા પ્રોડક્ટના ભાવ પણ વધ્યા હતા પરંતુ છેલ્લા 15 દિવસમાં અગાઉ તેજીમય થયેલ લોખંડની રોલિંગ પ્રોડક્ટ જેમાં વાયરબાર અને શીટ્સના ભાવ પર માગના અભાવથી દબાણ આવ્યું હતું. બીજી તરફ અગાઉના બેત્રણ મહિના દરમિયાન પ્રતિ મહિને વધતા ભાવને લીધે રોલિંગ પ્રોડક્ટ સ્ટોકિસ્ટો અને તારખીલા વપરાશકારોએ થોડો સ્ટોકનો માલ ખરીદેલ હતો. હવે રોલિંગના ભાવ પર દબાણને લીધે સ્ટોકિસ્ટો અને વપરાશકારો (તારખીલા ઉત્પાદક-વપરાશકારો)એ નવા માલની ખરીદી ઘટાડી દીધી છે. જેથી તારખીલાના ભાવ પર દબાણ આવ્યું છે.
જોકે પ્રાથમિક દબાણ પછી હવે ઉનાળો માથે હોવાથી બાંધકામ પ્રોજેકટોમાં પરંપરાગત રીતે તારખીલા પ્રોડક્ટની ઘરાકી (માગ) થોડી વધશે. જેથી અત્યારે હાજરમાં તારખીલાની તમામ પ્રોડક્ટના વધતા ભાવ અટકયા છે, પરંતુ ઘટાડો પણ થંભી ગયો છે. જે આગામી એપ્રિલ અંત સુધી જળવાઈ રહેશે અથવા માલની તંગી સર્જાવાથી થોડા વધી શકે છે. બધો જ આધાર નવી મોસમી માગ પર રહેશે એમ અનુભવી સ્ટોકિસ્ટોએ જણાવ્યું છે.
શહેરના મુખ્ય બજારમાં તારખીલાની વિવિધ પ્રોડક્ટના હાજર ભાવ આ પ્રમાણે ક્વોટ થાય છે. તારખીલા 1'' x 14 ગેજ 50 કિલો દીઠ રૂા. 2700,  2 x12 રૂા. 2400, 1.5'' x 14 રૂા. 2600, 2.5'' x 12 રૂા. 2600, 3'' અને 4'' x 10 ગેજ રૂા. 2400 જ્યારે ચપટાખીલા (કાચા) સારી ગુણવત્તા, 50 કિલો રૂા. 5500, ચાલુ માલ રૂા. 2700, પેનલ પીન 0.5''થી 1.5'' x 17 ગેજ રૂા. 3200 19 ગેજ રૂા. 3400 જ્યારે રૂટીંગ ખીલા રૂા. 2800નો ભાવ કવોટ થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer