ઈલેક્ટ્રિક વાહનોના આગમન પૂર્વે મહારાષ્ટ્ર ફોર્જિંગ ઉદ્યોગને ચિંતા


મુંબઈ, તા. 13 ફેબ્રુ.
ઈલેક્ટ્રીક વાહનો સાથે દેશમાં ઓટોમોબાઈલ ક્રાંતિની તૈયારી થઈ રહી છે ત્યારે ફાઉન્ડ્રી ઉદ્યોગ તેમના બિઝનેસમાં થઈ રહેલા બદલાવને કારણે ચિંતામાં છે. ઉદ્યોગને ભય છે કે ઈવીમાં બહુ ઓછા મુવિંગ પાર્ટસ હોવાને કારણે ઓટો કોમ્પોનન્ટની માગ ઘટી જશે. 
ફોર્જિંગ ઉદ્યોગનું કેન્દ્ર ગણાતાં કોલ્હાપુર અને સાંગલીમાં ઉદ્યોગ એકમો આ પરિસ્થિતી સામે સ્પોટ એનલિસિસ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે બુધવારે ઈવી પોલિસી જાહેર કરી હતી, જેમાં નવા મશીનનાં ઉત્પાદન અને ઉપયોગ માટે રાહત અપાઈ છે. 
ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયન ફાઉન્ડ્રીમેન (કોલ્હાપુર ચેપ્ટર) ના એક્ઝિક્યુટિવ સેક્રેટરી અભિજિત નાઈકે કહ્યું કે સરકારના મોટર વ્હિકલ્સને ઈવી સાથે ફેરબદલ કરવાના પગલાથી ઉદ્યોગ ચિંતામાં છે કારણકે તેમાં બહુ ઓછા ફોર્જ્ડ કોમ્પોનન્ટસનો ઉપયોગ થાય છે. વધુમાં ઈવીને કારણે નાની ફાઉન્ડ્રીસ ટકી શકશે નહીં.
નાઈકે કહ્યું કે કોલ્હાપુરમાં મોટા ફોર્જિંગ એકમો ઓછા છે. તમામ એમએસએમઈ હેઠળ આવે છે અને ખોટ સહન કરવાની તેમનામાં ક્ષમતા નથી. અસંખ્ય ઉદ્યોગને ફોર્જિંગ પૂરા પડાય છે, પણ મોટા ભાગના એકમો માત્ર ઓટોમોબાઈલ્સ માટે ફોર્જિંગ્સ બનાવે છે. કોલ્હાપુરમાં 90,000 લોકોને સીધો રોજગાર મળે છે. 
કોલ્હાપુર ફાઉન્ડ્રી ઉદ્યોગ અંદાજે સાત લાખ ટન ફોર્જિંગ્સ બનાવે છે, જે દેશની ઉત્પાદનક્ષમતાના આઠ ટકા છે. એન્જિન પાર્ટસ ઉપરાંત આ યુનિટ્સ વાલ્વ, પિસ્ટન, કામશાફ્ટ્સ, ડ્રાઈવ ટ્રાન્સમિશન અને ફ્યુઅલ ઈન્જેક્શન સિસ્ટમ્સ બનાવે છે. 
કોલ્હાપુર ફાઉન્ડ્રી એન્ડ એન્જિનિયરિંગ ક્લસ્ટરના ચેરમેન સચીન પાટીલે કહ્યું કે સ્થાનિક ઉદ્યોગ ઊંચા વીજદર હોવા છતાં સ્પર્ધાત્મક રહેવા પ્રયાસ કરી રહ્યો છે. ઈવી આવી રહ્યાં છે ત્યારે સંપૂર્ણ ઉદ્યોગમાં ધરમૂળથી ફેરફાર થશે. બિઝનેસમાં ટકી રહેવા માટે કેટલાક એકમોએ ટ્રક્સ અને અર્થ મુવિંગ ઈક્વિપમેન્ટના પાર્ટ બનાવવા તરફ વળવું પડશે.
બીજી બાજુ ઍસોસિયેશન ઓફ ઈન્ડિયન ફોર્જિંગ ઈન્ડસ્ટ્રીઝના પ્રેસિડન્ટ મુરલીશંકર સંબાશિવમે કહ્યું કે ઈવીની સાથે હાઈબ્રિડ કારનો માર્ગ પણ ખૂલી રહ્યો છે, જે ફોર્જિંગ ઉદ્યોગના ઓર્ડર્સને જાળવી રાખવામાં મદદ કરશે, પણ એકમોએ હવે એલ્યુમિનિયમ ફોર્જિંગ તરફ વળવું જોઈએ, જે ઈવી માટેની જરૂરિયાત છે.
તેમણે કહ્યું કે પરંપરાગત ફોર્જિંગ એકમો એલ્યુમિનિયમ ફોર્જિંગ તરફ વળી શકશે, પણ કોમ્પોનન્ટ્સનું મશીનિંગ અલગ રીતે કરવું જોઈશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer