કમોસમી માવઠાંથી મહારાષ્ટ્રમાં સવા લાખ હેક્ટરમાં ઊભા પાકને નુકસાન


અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 ફેબ્રુ.
મહારાષ્ટ્રમાં ગત બે દિવસમાં કમોસમી વરસાદ અને કરા પડવાને લીધે 11 જિલ્લાના 50 તાલુકામાં 1086 ગામોની 1,24,294 હેકટર જમીન પરના ઊભા પાકને નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. ઘઉં, ચણા, જુવાર, મકાઈ, કાંદા, સંતરાં, કેળાં અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું છે, એમ મહારાષ્ટ્રના કૃષિપ્રધાન પાંડુરંગ ફુંડકરે જણાવ્યું છે. ફુંડકરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના બીડ, જાલના, પરભણી, જળગાંવ, બુલઢાણા, અમરાવતી, અકોલા, વાશીમ, લાતુર, ઉસ્માનાબાદ અને હિગોલીમાં વરસાદ અને કરા પડવાને લીધે વ્યાપક નુકસાન થયું છે. તેથી અનેક સ્થળોએ ઊભા પાક અને કેટલીક જગ્યાએ લણવામાં આવેલી કૃષિ પેદાશોને નુકસાન થયું છે. જળગાંવ જિલ્લામાં કેળાં અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું છે.
આ આસમાની સંકટને કારણે થયેલા નુકસાનની વિગતો મેળવવાનું કામ હજી બે દિવસ ચાલુ રહેશે. બાદમાં સર્વેયરના અહેવાલ અનુસાર ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે, એમ ફુડકરે ઉમેર્યું હતું. દરમિયાન, સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા રવિકાંત તુપકરે આજે માગણી કરી છે કે કરા પડવાને કારણે જેઓને નુકસાન થયું છે તેઓને હેકટર દીઠ 50,000 રૂપિયાનું વળતર આપવું જોઈએ. અન્યથા અમારો પક્ષ આંદોલન કરશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer