ડૉલરના સથવારે સોનામાં વધુ સુધારો


અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ.તા. 13 ફેબ્રુ.
ડૉલરમાં નરમાઇનો દોર ચાલુ રહેતા સોનામાં બીજા દિવસે વૃદ્ધિ થઇ હતી. એશિયન ઇક્વિટી માર્કેટમાં સુધારો થયો હતો એટલે પણ ડોલર ઉપર થોડું દબાણ આવ્યું હતું.બે દિવસથી ફંડો સોનામાં સક્રિય થયા છે એ કારણે સોનું 1329 ડોલર સુધી પહોંચ્યું છે. ગયા અઠવાડિયામાં સોનાનો ભાવ 1306 સુધી ઘટયા પછી નોંધપાત્ર પ્રત્યાઘાતી સુધારો જોવા મળ્યો છે.  યુરોપીયન શેરબજારોમાં નરમાઇ હતી પરંતુ હાલ પૂરતો ઘટાડો અટક્યો છે. એશિયામાં ભારતીય બજારો બંધ હતી પણ બીજી બજારોમાં સુધારો હોવાથી સોનાને પણ બળ મળ્યું હતું. આવતીકાલે અમેરિકાના જાન્યુઆરી મહિનાના ફુગાવાના આંકડાઓ જાહેર થવાના છે એ જાહેર થયા પછી ટૂંકાગાળામાં બજારને દિશા મળશે.
ફુગાવો સોના માટે કેટલોક વખત હકારાત્મક દેખાય છે કારણકે ફુગાવો વધે તો ડોલર ભલે સુધરે પણ સામે ભાવવધારાનું જોખમ હોય એટલે સલામત રોકાણ માટે ફંડો સોનું એકઠું કરતા હોય છે. એટલે ચાર્ટની રીતે સોનામાં 1280 નીચે વધુ જોખમ નથી. 1345ના સ્તરની ઉપર જાય તો જ તેજી આવશે. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 100ના સુધારા સાથે રૂા. 31,250 હતો. ચાંદી ન્યૂ યોર્કમાં 16.61 ડોલરની સપાટીએ હતી. સ્થાનિક બજારમાં એક કિલોએ રૂા. 400 ઉંચકાઇને રૂા. 39,000 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer