ગુજરાતમાં મગફળીની નવી ખરીદી આડે પ્રશ્નાર્થ


નવા નિયમો ખર્ચાળ, મંડળીઓ ખરીદી માટે રાજી નથી : સરકાર દ્વારા બે દિવસમાં ખરીદી કરવાનો દાવો

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 13 ફેબ્રુ.
ગુજરાતમાં વધુ એક લાખ ટન મગફળી ખરીદવા કેન્દ્રએ 10 ફેબ્રુઆરી સુધી મુદ્દત આપી હતી એ પૂર્ણ થઇ જતા હવે ફરીથી રાજ્ય સરકારે મંજૂરી મેળવવી પડે તેમ છે. એવામાં કૃષિ વિભાગે બે દિવસમાં ખરીદી શરૂ કરી દેવાનો દાવો કરતા આશ્ચર્ય સર્જાયું છે. નવી ખરીદી માટે સરકારે અત્યંત આકરાં અને ખર્ચાળ નિયમો બનાવ્યા છે. માન્ય કરાયેલી મંડળીઓને આ ખર્ચ પોસાય તેમ નથી એટલે હવે ખરીદી થશે કે કેમ તે આડે પ્રશ્નાર્થ છે.
નાફેડની મંજૂરીને પંદર દિવસ વીતી ગયા છે. એ દરમિયાન માત્ર નિયમો જ બન્યા છે. ખરીદી માટે કોઇ ક્વાયત થઇ નથી. 10 ફેબ્રુઆરીનો દિવસ જતો રહેતા સરકારે ફરીથી મુદ્દત લંબાવવા કેન્દ્રને અરજ કરવી પડશે, એમ એક સહકારી સંસ્થાના આગેવાને કહ્યું હતું. આ આગેવાને કહ્યું કે, 42 મંડળીઓ સરકારે ખરીદી માટે નીમી દીધી હોવાની વાત છે પરંતુ કોઇ સંસ્થાને એ વાતની ખબર નહીં હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ખરીદી થશે કે કેમ તે અંગે પૂછતાછ માટે કૃષિપ્રધાન કે સરકારી અધિકારીઓ ઉપલબ્ધ બની શક્યા ન હતા.
તેમણે એમ કહ્યું કે, સરકાર ખરીદી રકવા તૈયાર હોય તો પણ મંડળીઓને હવે ખરીદી કરવામાં રસ નથી. કારણકે નવા નિયમ પ્રમાણે મંડળીઓને હલર મશીન, મોટાં મોટાં ચારણા, સીસીટીવી કેમેરા, વીડિયોગ્રાફી, જીપીએસ સિસ્ટમ અને ખેડૂત પાસેથી માલ ખરીદાય ત્યારથી ગોદામમાં પહોંચે ત્યાં સુધીની સ્થિતિનું ધ્યાન રાખવાનું છે. કોઇ મંડળી પાસે આવી સુવિધા નથી. વળી, ભાડે કરવામાં આવે તો ખર્ચ વધી જાય. બીજી તરફ મંડળીઓને સરકાર કમિશન પેટે એક ટકો ચૂકવે છે. આ પરિસ્થિતિમાં કઇ મંડળી ખરીદી કરવા માટે રાજી થશે?
ગુજકોટના એક સૂત્રએ બિનસત્તાવાર રીતે એમ કહ્યું કે, 10 ફેબ્રુઆરી સુધી જ ખરીદી કરવાની હતી. આ તારીખ તો જતી રહી છે ત્યારે બે દિવસમાં ખરીદી કેવી રીતે થઇ શકશે એ જ  સમજાય તેવું નથી. સરકારના કૃષિ વિભાગ અને એજન્સીઓ તથા મંડળીઓ વચ્ચે હાલ તો નવી ખરીદી માટે કોઇ તાલમેલ હોય તેવું જણાતું નથી. વળી, ગોદામ, બારદાન અને માળખાકિય સુવિધાઓનો તો ભારોભાર અભાવ છે એટલે નવી ખરીદી થવી હાલ તો મુશ્કેલ દેખાઇ રહી છે. 
ગુજરાત સરકારે ગયા મહિનાના અંત સુધીમાં 8 લાખ ટન મગફળી ખરીદી લીધી છે. ખેડૂત પાસે મગફળી હશે ત્યાં સુધી ખરીદી કરવામાં આવશે તેવી સરકારની જાહેરાત પછી કેન્દ્રમાંથી એક લાખ ટનની મંજૂરી મળી છે. જોકે, અગાઉ થયેલી ખરીદીમાં ભ્રષ્ટાચારની વ્યાપક બૂમ પછી નિયમો આકરા બનાવવામાં આવ્યા છે. આ નિયમોના જોરે હવે સરકારને મગફળી મળી શકે તેમ દેખાતું નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer