વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ


એશિયાના શૅર્સમાં બે મહિનાના સૌથી નીચા ભાવ, ભારતીય બજારો ઉપર વૈશ્વિક વલણનો પ્રભાવ ચાલુ રહેશે

વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 13 ફેબ્રુ.
મંગળવારે અમેરિકામાં બજારો નકારાત્મક સંકેતો સાથે ખૂલ્યાં હતાં. ડાઉ ફ્યુચર્સ બજારનાં કામકાજ શરૂ થયા એ સમયે 135 પોઈન્ટ ઘટીને ખૂલ્યો હતો. નાસ્ડાક અને એસ એન્ડ પી 500 ફ્યુચર્સ પણ કામકાજના આરંભે નકારાત્મક શરૂઆત દર્શાવતા હતા. વ્યાજ દરમાં વધારાની શક્યતાને પગલે છેલ્લા એક અઠવાડિયાથી બજારો અનિશ્ચિત માહોલમાં અટવાયેલાં છે. અમેરિકાના ત્રણેય મુખ્ય સૂચકાંકો ગયા સપ્તાહે પાંચ ટકા કરતાં વધુ ઘટયાં હતાં અને ડાઉમાં જાન્યુઆરી, 2016થી અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. આને પરિણામે, રોકાણકારોએ પણ બોન્ડ માર્કેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 
કંપનીઓની કમાણી જોઈએ તો, પેપ્સીકોએ અપેક્ષા મુજબ સારાં પરિણામો હાંસલ કર્યાં છે. અંડર આમોર, બ્લુ એપ્રન, બાઇદુ, મેટલાઈફ, વેસ્ટર્ન યુનિયન ફોસિલ વગેરે કંપનીઓ પણ આજે પરિણામો જાહેર કરશે.
અમેરિકાનાં સૂચકાંકો સોમવારે વધવાને પગલે મંગળવારે એશિયાનાં બજારોમાં પણ સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાના શેર્સ 0.2 ટકા અને દક્ષિણ કોરિયાનો સૂચકાંક કોસ્પિ 0.9 ટકા વધ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી બજારો ખૂલતાં 0.75 ટકાનો વધારો દર્શાવતો હતો.
અમેરિકાની માફક યુરોપના રોકાણકારો પણ અનિશ્ચિત માહોલનો સામનો કરી રહ્યા છે. સમગ્ર યુરોપનું વલણ દર્શાવતો સ્ટોક્સ 600 સૂચકાંક દિવસના કામકાજની શરૂઆતમાં 0.07 ટકા ઘટાડો નોંધાવતો હતો. ઓટો શેર્સ 0.2 ટકા જેટલો સૌથી વધુ ઘટાડો દર્શાવતા હતા.
દરમ્યાન, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ - આઈએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાઈન લાગાર્ડે તાજેતરમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં વૈશ્વિક બજારોની ઝડપી વધઘટ વિશે ખાસ ચિંતા કરવા જેવું નથી, કેમકે આર્થિક વૃદ્ધિ મજબૂત છે. જોકે, ભવિષ્યની કટોકટીઓનો સામનો કરવા માટે સુધારા જરૂરી છે. 
નિફ્ટી માટે 10,025નું લેવલ મહત્ત્વપૂર્ણ
વૈશ્વિક સંકેતોને પગલે ભારતીય શેરબજારોમાં કરેક્શન ટૂંકા ગાળાનું છે કે લાંબા ગાળાનું તે કહેવું મુશ્કેલ છે, ત્યારે બજારના નિષ્ણાતોનું માનવું છે કે નિફ્ટી માટે 10,025નું લેવલ મહત્ત્વપૂર્ણ ગણી શકાય. તેજી તરફી રોકાણકારો અને ટ્રેડર્સ નિફ્ટીના 10,025થી 10,050 સુધીના લેવલને ભરોસાપાત્ર ગણી શકે.
રેલિગેર બ્રોકિંગના પ્રેસિડેન્ટ જયંત માંગલિકે જણાવ્યું હતું કે કોઈ મહત્ત્વપૂર્ણ ઘટનાને અભાવે આપણાં શેરબજારો ઉપર વૈશ્વિક સંકેતોનો પ્રભાવ ચાલુ રહેશે. જાહેર ક્ષેત્રની બેન્ક્સના શેર્સ સૌથી નબળા રહેશે, જ્યારે અન્ય બેન્ક્સમાં મિશ્ર વલણ જોવા મળશે.
ઈન્ડિયન ઓવરસીઝ બેન્કે રૂા. 971 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી
જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઓવરસીઝ બેન્કે ચાલુ નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂા. 971.17 કરોડ ચોખ્ખી ખોટ નોંધાવી છે. આટલી મોટી ખોટનું કારણ પરત નહીં મળેલાં લેણાંનો ઊંચો રેશિયો છે. બેન્કને 20 ટકા લેણાં પરત મળ્યાં નથી. પાછલા નાણાં વર્ષના સમાન ગાળામાં બેન્કની ખોટ રૂા. 554.44 કરોડ હતી. જોકે, સપ્ટેમ્બર, 2017માં પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાની રૂા. 1,222.50 કરોડની સરખામણીએ ખોટ ઘટી છે.
બેન્કની કુલ આવક પાછલા સમાન ગાળામાં રૂા. 5,599.50 કરોડથી ઘટીને રૂા. 5,062.38 કરોડ નોંધાઈ છે. બેન્કે પરત નહીં મળેલાં લેણાંની કેટલીક રકમ માંડવાળ કરી હોવા છતાં એનપીએ હજુ કુલ ધિરાણોનાં 21.95 ટકા જેટલી ઊંચી છે. પાછલા વર્ષે સમાન ગાળામાં એનપીએ 22.42 ટકા હતી. ડિસેમ્બર, 2017માં પૂરા થતા ત્રિમાસિક ગાળામાં કુલ એનપીએ રૂા. 33,266.88 કરોડ, જ્યારે ચોખ્ખી એનપીએ રૂા. 17,761.22 કરોડ છે.
ત્રીજા ત્રિમાસિક ગાળામાં બેન્કે પરત નહીં મળેલાં લેણાં અને આપત્તિના સમય માટેનું ભંડોળ વધારીને રૂા. 1,640.25 કરોડ કર્યું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer