વાઇબ્રન્ટ ગુજરાતમાં રોકાણના દાવા સત્યથી વેગળા

 
હૃષિકેશ વ્યાસ 
અમદાવાદ, તા.13. ફેબ્રુ.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હેઠળ થયેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ)માત્ર કાગળ પરના વાઘ સાબિત થયા છે. કરોડો રૂપિયાના એમઓયુની મોટી મોટી જાહેરાત પછી હવે વાસ્તવિક સ્થિતિ તપાસીએ તો બહુ વરવું ચિત્ર સામે  આવી રહ્યું છે. પાછલી ત્રણ અર્થાત 2013, 2015 અને 2017ની સમિટમાં રોકાણના એમઓયુ અને વાસ્તવિક રોકાણ કે પ્રોજેક્ટના અમલીકરણ મુદ્દે અત્યંત કંગાળ સ્થિતિ છે. ગુજરાત સરકાર આ સમિટના આંકડાઓ જાહેર ન કરીને કશુંક છૂપાવી રહી છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રોકાણના કરારો અને તેના અમલ વચ્ચે મોટી ખાઇ હોવાનું 2011ની સમિટના આંકડાઓમાં જ બહાર આવી ગયું છે. 2011માં 7936 એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. 462 બિલિયન ડોલરનું રોકાણ થયું હતું.  જેમાંથી 46 ટકા એમઓયુ રદ્દ થયા હતા.
2013માં યોજાયેલી સમિટમાં રોકાણના આંકડા સામે ન આવ્યા તેવી જ રીતે વર્ષ 2015માં વાઇબ્રન્ટ સમિટમાં 110 દેશોએ ભાગ લીધો, પણ રોકાણના આંકડા ઉપલબ્ધ ન થયા. વર્ષ 2017માં 25578 એમઓયુ થયા જેમા રોકાણના આંકડા સામે ન આવ્યા. આ ગતિવિધિ શંકા પ્રેરી રહી છે.
2003 થી 2007 સુધીની સફર ઉપર નજર કરીએ તો 2003માં 76 એમઓયુમાં 14 બિલિયન ડોલરનું રોકાણ થયું. 2005માં 175 એમઓયુમાં 152 બિલિયન ડોલરનું રોકાણ આવ્યું.
વર્ષ 2007માં રોકાણના સાચા આંકડા ગુપ્ત રહ્યા. વર્ષ 2009માં 45 દેશમાંથી 8662 એમઓયુ થયા જેમાં 12 હજાર બિલિયન ડોલરનું રોકાણ થયેલું. 2010 સુધી એમઓયુમાંથી અમલીકરણમાં ગયેલા પ્રોજેક્ટની સંખ્યા ઘણી વધારે હતી. છેલ્લી ત્રણ સમિટથી સ્થિતિ બગડી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer