ઈપીએફઓએ 8.65 ટકા વ્યાજદર જાળવવા ઈક્વિટીનો અમુક હિસ્સો વેચ્યો

ઈપીએફઓએ 8.65 ટકા વ્યાજદર જાળવવા ઈક્વિટીનો અમુક હિસ્સો વેચ્યો
 
નવી દિલ્હી, તા. 13 ફેબ્રુ.
ભારતના રિટાયરમેન્ટ ફંડ મૅનેજર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) ગત વર્ષની 8.65 ટકાની વ્યાજદર સપાટીને જાળવી રાખવા તેના ઈક્વિટી રોકાણનો અમુક હિસ્સો વેચીને રૂા. 1000 કરોડથી વધુનો નફો અંકે કર્યો છે.
જો ઈપીએફઓ 8.65 ટકાનું વ્યાજ જાળવી રાખે તો તે આજની બજારની વર્તમાન સ્થિતિમાં ગ્રાહકો માટે નેટ પોઝિટિવ ગણાશે. બાકી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) અને ગવર્નમેન્ટ પ્રોવિડન્ટ ફંડ (જીપીએફ) સહિતના અન્ય પીએફ અને સ્મોલ સેવિંગ્સ રેટ્સમાં ઘટાડો જોવાઈ રહ્યો છે. પીપીએફ અને જીપીએફએ ચાલુ ત્રિમાસિક ગાળામાં 7.6 ટકા દરની કમાણી કરી છે.
ઈપીએફઓએ 2015માં પ્રથમ તબક્કાનું ઈક્વિટી રોકાણ કર્યું હતું અને 2017માં તેને ડિવિડન્ટ મળ્યું હતું. ઈક્વિટી વેચાણમાંથી તેનો કેપિટલ ગેઈન રૂા. 1053.75 કરોડનો થયો છે.
ઈપીએફઓએ કમાણી સુધારવા શૅરબજારમાં પ્રવેશ કર્યો હતો. જો તે વ્યાજદર ઘટાડે તો ટીકાને પાત્ર બનત. છેલ્લાં અઢી વર્ષમાં શૅરબજારે નોંધપાત્ર વળતર આપ્યું છે. ઈપીએફઓના કુલ ઈક્વિટી રોકાણ પર જાન્યુઆરી આખર સુધીમાં 16 ટકાનો ફાયદો થયો છે.
ઈપીએફઓએ અૉગસ્ટ, 2015માં ઈક્વિટીમાં રોકાણ શરૂ કર્યું હતું. જાન્યુઆરી સુધીમાં તેણે ઈટીએફ મારફત ઈક્વિટીમાં રૂા. 44,000 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. એકંદરે ઈપીએફઓ રૂા. 11 ટ્રિલિયનનું કોર્પસ મૅનેજ કરે છે અને તેના સક્રિય ગ્રાહકોની સંખ્યા 5 કરોડથી વધુની છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer