ફેબ્રુઆરી-માર્ચમાં વાહનોનું વેચાણ વધશે

ફેબ્રુઆરી-માર્ચમાં વાહનોનું વેચાણ વધશે
 
આગામી વર્ષોમાં કમર્શિયલ વાહનોનું વેચાણ પણ સારું રહેશે : સિઆમ

નવી દિલ્હી, તા.13 ફેબ્રુ.
વર્તમાન નાણાકીય વર્ષના બચેલા બે મહિનામાં અૉટોમોબાઈલનું વેચાણમાં હજી વધારો થઈ શકે છે અને આગામી વર્ષોમાં કમર્શિયલ વાહનોનું વેચાણ વિશેષરૂપે વધશે, એમ સોસાયટી અૉફ ઇન્ડિયન અૉટોમોબાઈલ મેન્યુફેકરર્સ (સિઆમ)એ જણાવ્યું હતું.  ડિસેમ્બરમાં વેચાણ સ્થિર રહ્યું હતું. જ્યારે જાન્યુઆરીમાં વેચાણમાં રિકવરી થઈ હતી. ફેબ્રુઆરી અને માર્ચમાં ગત વર્ષની સરખામણીમાં વેચાણ વધશે, એમ સિઆમના ડિરેક્ટર જનરલ વિષ્ણુ માથૂરે જણાવ્યું હતું. બજેટ 2018-19માં ઈન્ફ્રાસ્ટ્રકચર ખર્ચમાં વધારો કરતા અને અમૂક રાજ્યોમાં ઓવરલોડિંગ ઉપર પ્રતિબંધ આવતા તેમ જ ગ્રામીણ ભાગમાં મૂડીરોકાણ વધતા લાંબા ગાળે કમર્શિયલ વાહનોનું વેચાણ વધશે એમ ઉદ્યોગનું માનવું છે. 
સિઆમે જાન્યુઆરી મહિનાના વાહનોના વેચાણના આંકડા જાહેર કર્યાં છે, જે મુજબ યુટિલિટી વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 37.9 ટકા વધીને 85,850 યુનિટ્સનું રહ્યું હતું, જ્યારે પેસેન્જર વાહનોનું વેચાણ 1.3 ટકા ઘટીને 1,84,264 યુનિટ્સનું રહ્યું હતું. 
લોકો હવે પેસેન્જર કાર અને યુટિલિટી કાર વચ્ચે ભેદ કરતા નથી. હવે કોમ્પેક્ટ સ્પોર્ટ યુટિલિટી વાહન અને સિડાન માટે સમાન દૃષ્ટિકોણ છે, એમ સિઆમે પેસેન્જર કારના વેચાણમાં થતો ઘટાડો અને યુટિલિટી કારના વેચાણમાં થતા વધારાનું કારણ આપતા જણાવ્યું હતું.  
ઉદ્યોગ હવે હાઈબ્રિડ ફ્યૂઅલ અને અન્ય વૈકલ્પિક ઈંધણ ટેકનૉલૉજી અપનાવવા માટે કાર્ય કરી રહી છે, જેથી પ્રદૂષણ મુક્ત વાતાવરણ બને.
અૉટો એક્સ્પો 2018માં 11 ઈલેકટ્રિક કાર, પાંચ ઈલેકટ્રિક બસ, બે ઈલેકટ્રિક નાના કમર્શિયલ વાહન, બે ઈલેકટ્રિક થ્રી-વ્હિલર અને આઠ ઈલેકટ્રિક ટુ-વ્હિલર રજૂ કરવામાં આવ્યા હોવાનું સિયામે જણાવ્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer