વડા પ્રધાનના હસ્તે 18મીએ મેગ્નેટિક મહારાષ્ટ્ર સમિટનું ઉદ્ઘાટન થશે

વડા પ્રધાનના હસ્તે 18મીએ મેગ્નેટિક મહારાષ્ટ્ર સમિટનું ઉદ્ઘાટન થશે
 
રૂા. 10 લાખ કરોડનું રોકાણ આવવાની અપેક્ષા

મુંબઈ, તા. 13 ફેબ્રુ.
આગામી 18મી ફેબ્રુઆરીથી મહારાષ્ટ્રના અર્થતંત્રને ગતિમાન કરવા માટે વિશેષ આયોજન થઈ રહ્યું છે. `મેગ્નેટિક મહારાષ્ટ્ર-ગ્લોબલ કૉન્ફરન્સ ઍન્ડ એક્ઝિબિશન'નું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે અને તેમાં આશરે 150 વૈશ્વિક કંપનીઓના સીઈઓ, ભારતીય ઉદ્યોગના અગ્રણીઓ, વિવિધ રાષ્ટ્રોના રાજદૂતો અને કાઉન્સેલ જનરલ આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહેશે.
આ સમિટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ સાથે અન્ય ક્ષેત્રમાં રૂા. 10 લાખ કરોડ જેટલું રોકાણ કરવા માટે એમઓયુ થવાની અપેક્ષા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને છે.
આ સમારંભના ઉદ્ઘાટન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટોચના 50 સીઈઓ સાથે બંધબારણે બેઠક યોજશે જેમાં ભારતની વિકાસ ગાથાની દિશા નક્કી થવા સાથે વૈશ્વિક વ્યાપારને ભારતમાં ઉપલબ્ધ થનારી તકોની રજૂઆત થશે.
તે પછી 19મી ફેબ્રુઆરીએ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડીયુ અને તેમના પ્રધાનમંડળના ચાર સાથીઓ કેનેડા અને મહારાષ્ટ્ર વચ્ચે વેપારની સંભવિત તકો વિશે વિશેષ સેશનને સંબોધન કરશે.
રોકાણ માટે સૌથી અનુકૂળ અને શ્રેષ્ઠ રાજ્ય તરીકે પ્રસ્તુત કરવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમના મુખ્ય પ્રોજેક્ટ- મુંબઈ મેટ્રો, મુંબઈ-નાગપુર સુપર કૉમ્યુનિકેશન એક્સપ્રેસ વે, મુંબઈ કોસ્ટલ રોડ, ટ્રાન્સ-હાર્બર લિન્ક અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટને આ સમિટમાં વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓ અને સીઈઓ સમક્ષ રજૂ કરશે.
રાજ્યના મુખ્ય સચિવ સુમિત મલિકે જણાવ્યું હતું કે સ્થાનિક અને વિદેશી રોકાણકારો માટે મહારાષ્ટ્ર હંમેશાં પસંદગીનું રાજ્ય રહ્યું છે.
21થી 23 ફેબ્રુઆરી દરમિયાન એક્ઝિબિશન જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer