માર્ચ ત્રિમાસિકમાં વલણ ચાલુ રહેવાનો આશાવાદ

માર્ચ ત્રિમાસિકમાં વલણ ચાલુ રહેવાનો આશાવાદ

મુંબઈ, તા. 13 ફેબ્રુ.
ઓક્ટોબર-ડિસેમ્બર 2017ના કોર્પોરેટ પરિણામોમાં વૃદ્ધિની ગતિ જળવાઈ રહી છે. મોટાભાગની કંપનીઓએ સારા પરિણામ રજૂ કર્યા છે. લગભગ તમામ કંપનીઓએ ભાવિ માટે આશાવાદ બતાવ્યો છે. આ કંપનીઓએ કાચા માલના વધતા ભાવ છતાં નફા અને આવકમાં વૃદ્ધિ નોંધાવી છે, જોકે, મામૂલી સુધારાના ચિહ્નોને આધારે સંપૂર્ણ સુધારો શરૂ થયો હોવાનું કહેવું અત્યારે બહુ વહેલું ગણાશે. 
તાતા સ્ટીલના નફામાં પાંચ ગણી વૃદ્ધિ નોંધાઈ છે. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ માઈનિંગ કામકાજ માટે કરેલી જોગવાઈને કારણે નફા ઉપર થોડી અસર થઈ છે. વેચાણ અંદાજ કરતાં ઘણું વધારે થયું હતું. વાર્ષિક ધોરણે 15.23 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. કંપની પ્રવક્તાએ કહ્યું કે સ્થાનિક વોલ્યુમમાં સુધારો થવાથી અને કોમોડિટીના ભાવ વધવાથી તમામ ક્ષેત્રે નફાશક્તિ વધી હતી.
ટુ-વ્હીલર ઉત્પાદક હીરો મોટોકોર્પની વોલ્યુમ વૃદ્ધિ તહેવારોની સિઝનને કારણે સારું નોંધાયું હતું. કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 17 ટકા વધી હતી અને ત્રિમાસિક ધોરણે 12.6 ટકા ઘટી હતી, જ્યારે વોલ્યુમ વાર્ષિક ધોરણે 17 ટકા વધ્યું હતું અને ત્રિમાસિક ધોરણે 15.4 ટકા ઘટ્યું હતું. વળતર વાર્ષિક ધોરણે 0.8 ટકા અને ત્રિમાસિક ધોરણે 3.3 ટકા વધ્યું હતું. 
એનલિસ્ટ્સનું માનવું છે કે આવનારા ત્રિમાસિકમાં વોલ્યુમ જળવાઈ રહેશે કારણ કે સ્કૂટરનું વેચાણ સારું થવાની ધારણા છે. ગ્રામીણ બજારમાં મોટરસાયકલની માગ વધી રહી હોવાને કારણે આમ થશે. શહેરી માર્કેટમાં પ્રિમિયમ બાઈકના લોન્ચથી સારું વેચાણ થવાની ધારણા છે.
મહિન્દ્ર એન્ડ મહિન્દ્રએ પણ બજારના અંદાજ પ્રમાણે પરિણામ જાહેર કર્યા છે. મેનેજમેન્ટનું માનવું છે કે માગમાં તેજી રહેવાની ધારણા છે. જોકે, કંપની ઉપર દબાણ રહેવાની પણ ધારણા છે કારણ કે અન્ય ઓટો ઉત્પાદકોએ પણ યુટિલિટી વેહિકલ ક્ષેત્રે ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આઈશર મોટર્સ, સિપ્લા, સ્પાઈસ જેટ અને એસીસી જેવી કંપનીઓએ પણ અંદાજ પ્રમાણેના પરિણામ આપ્યાં છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer