બૅન્કોની એનપીએની સમસ્યા નિવારવા આરબીઆઈ દ્વારા માળખામાં તળિયાઝાટક ફેરફાર

બૅન્કોની એનપીએની સમસ્યા નિવારવા આરબીઆઈ દ્વારા માળખામાં તળિયાઝાટક ફેરફાર

પીટીઆઈ
મુંબઈ, તા. 13 ફેબ્રુ.
રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયાએ ગત સોમવારે મોડી રાત્રે નોટિફિકેશન બહાર પાડી સ્ટ્રેસ્ડ એસેટ રિઝોલ્યુશન ફ્રેમવર્કમાં સંપૂર્ણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. વર્તમાન સ્કીમો તાત્કાલિક પાછી ખેંચી લેવાઈ છે અને ધિરાણદારોને 180 દિવસમાં ડિફોલ્ટની સ્થિતિ ઉકેલવા કહેવાયું છે. આ ઉપરાંત તા. 23 ફેબ્રુઆરીથી બધી બૅન્કોને સાપ્તાહિક ધોરણે ડિફોલ્ટ શોધી કાઢવા અને દરેક શુક્રવારે તેની આરબીઆઈ ક્રેડિટ રજિસ્ટ્રીમાં જાહેરાત કરવા કહેવાયું છે.
સોમવારે બહાર પાડેલા 20 પાનાંના નોટિફિકેશનમાં આરબીઆઈએ જણાવ્યું છે કે તે વર્તમાન માર્ગદર્શિકાની જગ્યાએ નવી માર્ગદર્શિકા મૂકી રહી છે, જેમાં ઈન્સોલવન્સી એન્ડ બૅન્કરપ્સી કોડ (આઈબીસી)ની જોગવાઈઓને સમાવી લેવાઈ છે. તે સાથે આરબીઆઈએ વર્તમાન ધોરણો જેવા કે કોર્પોરેટ ડેબ્ટ રિસ્ટ્રકચરિંગ સ્કીમ, જોઈન્ટ લેન્ડર્સ ફોરમ (જેએલએફ) અને સ્ટ્રેટેજિક ડેબ્ટ રિસ્ટ્રકચરિંગ સ્કીમ (એસડીઆર)ને પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
આમાં જો કોઈ ખાતાની ખરેખરી સ્થિતિ છુપાડવાનો પ્રયત્ન કરશે તો તેની ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આમાં રિઝર્વ બૅન્કે ધિરાણદારોને ડૂબવાપાત્ર લોન તાત્કાલિક ઓળખી કાઢવા અને કસૂર ઠરે ત્યારે સ્પેશિયલ પેન્શન એકાઉન્ટસ (એસપીએ) પ્રમાણે સ્ટ્રેસ્ડ એસેટનું વર્ગીકરણ કરવા જણાવ્યું છે.  એક વખત ધિરાણદાર ખામી ઓળખી કાઢે એટલે બધા ધિરાણદારો - સિંગલ કે સંયુક્તપણે તે ખામી ઉકેલવાનાં પગલાં લેશે.
તા. 1 માર્ચ, 2018થી શરૂ થતા ગાળામાં રૂા. 20 અબજ (રૂા. 200 કરોડ)થી વધુની રકમ ધરાવતા ખાતાઓ માટે બધા ધિરાણદારો માટે સ્ટ્રેસ્ડ એસેટ રિઝોલ્યુશન માટે 180 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જો ધિરાણદાર 180 દિવસની સમયમર્યાદામાં તાણ હેઠળની અસ્કયામતો ઉકેલવામાં નિષ્ફળ જશે તો તેમણે 15 દિવસની અંદર ઈન્સોલવન્સી એન્ડ બૅન્કરપ્સી કોડ હેઠળ સિંગલ કે સંયુક્તપણે નાદારીની અરજી કરવી પડશે.
રૂા. 50 અબજ (રૂા. 500 કરોડ)થી વધુનું એકસ્પોઝર ધરાવતા ખાતાઓની બાબતમાં આરબીઆઈ દ્વારા અધિકૃત ક્રેડિટ રેટિંગ એજન્સીઓ દ્વારા બે સ્વતંત્ર ક્રેડિટ ઈવેલ્યુએશન થશે. જો તેમના અભિપ્રાય જુદા પડે તો નીચા રેટિંગને ધ્યાનમાં લેવામાં આવશે.
ઈન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ ધારાની કલમ 29-એ હેઠળ અપાત્ર ઠરેલી વ્યક્તિ સ્ટ્રેસ્ડ એસેટ હસ્તગત કરી શકશે નહીં. આથી હવે નાદારી પ્રક્રિયા દરમિયાન વિલફુલ ડિફોલ્ટરો અને ડિફોલ્ટિંગ પ્રોમોટરો ભાગ લઈ શકશે નહીં.
એક વિશ્લેષણકારે જણાવ્યું હતું કે નવી ફ્રેમવર્ક ઈસ્યૂ કરવાનો રિઝર્વ બૅન્કનો નિર્ણય એ મહત્ત્વની હિલચાલ છે. વળી બહુ ગૂંચવણભર્યા અને ઘણી બધી શરતોવાળા 20થી વધુ સર્ક્યુલરો પાછા ખેંચી લેવાયા છે. આમ છતાં જેએલએફ હેઠળ ભાગ લેતા લેન્ડર્સ માટેની 60 ટકાની જરૂરિયાત વધારી 100 ટકા કરાઈ છે, જે વધુપડતી કડક શરત છે. આથી વધુ કંપનીઓ નાદારી ભણી જતી દેખાશે.
બીજા એક વિશ્લેષણકારે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની બૅન્કોની કમાણીને આથી અસર થશે અને બૅન્કો દબાણ હેઠળ રહેશે. જો કોઈ અણધારી ઘટના બનશે તો સિસ્ટમ તેનો પ્રતિભાવ આપશે.
નાદારી પ્રક્રિયાનો અમલ જ્યાં શરૂ થઈ ચૂક્યો છે તે ખાતાઓને આ નવું ફ્રેમવર્ક લાગુ નહીં પડે. અત્યાર સુધીમાં રિઝર્વ બૅન્કે ભારે કોર્પોરેટ જોખમ ધરાવતા 40 ખાતાઓ ઓળખી કાઢ્યાં છે અને તેમને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી) સમક્ષ લઈ જવાયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer