વિદેશી રોકાણકારોનાં સેન્ટિમેન્ટ ઉપર કોઈ અસર નહીં થાય : આશિષકુમાર ચૌહાણ

વિદેશી રોકાણકારોનાં સેન્ટિમેન્ટ ઉપર કોઈ અસર નહીં થાય : આશિષકુમાર ચૌહાણ
 
બીએસઈ-એનએસઈનાં વિદેશી શૅરબજારો સાથે કરાર રદ થવાથી
 
વિશેષ સંવાદદાતા
મુંબઈ, તા. 13 ફેબ્રુ.
વિદેશી શૅરબજાર સહયોગીઓને પોતાના સૂચકાંકો અને ડેટા વાપરવા દેવાનો કરાર બીએસઈ, એનએસઈ અને મેટ્રોપોલિટન સ્ટૉક એક્સ્ચેન્જે આ સપ્તાહે તોડી નાખ્યા હોવાના તીવ્ર પ્રત્યાઘાતો આવી રહ્યા છે ત્યારે બીએસઈના સીઈઓ આશિષકુમાર ચૌહાણનું માનવું છે કે વિદેશી રોકાણકારોનાં સેન્ટિમેન્ટ ઉપર અવળી અસર નહીં પડે.
``જેઓ ભારતીય શૅરબજારમાં રોકાણ કરવા માગે છે તેમણે કર્યું છે અને જેમને નથી કરવું તેઓ નહીં કરે'' એમ ચૌહાણે વ્યાપારને એક મુલાકાતમાં કહ્યું હતું.
``આ એક બિઝનેસને લગતો નિર્ણય છે. આ કરાર રદ થવાથી તે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો બનતો નથી. જેમ અમુક વિદેશી શૅરબજારો ભારતીય શૅરબજારોને તેમની પ્રોડક્ટસ વાપરવા માટે લાઈસન્સ આપ્યું નથી, તેમ ભારતીય શૅરબજારોએ પણ આપેલું લાઈસન્સ રદ કર્યું છે,'' એમ તેમણે કહ્યું હતું.
બીએસઈ, એનએસઈ અને મેટ્રોપોલિટન સ્ટૉક એક્સ્ચેન્જે એક સંયુક્ત પગલાં દ્વારા સિંગાપોર એક્સ્ચેન્જ (એસજીએકસ) અને દુબઈ ગોલ્ડ ઍન્ડ કૉમોડિટી એક્સ્ચેન્જની સાથે સૂચકાંકો તથા બીજા ડેટા વાપરવાના કરાર તાત્કાલિક મુદતથી રદ કર્યા છે.
આ પગલાંને વાજબી ગણાવતાં ચૌહાણે કહ્યું કે સિંગાપોર એક્સ્ચેન્જ ઉપર કોઈ રોકાણ થતું નહોતું, માત્ર સટ્ટાકીય પ્રવૃત્તિ થતી હતી. નિફટી ફયુચર્સના કુલ 51 લાખ કરોડ રૂપિયાના ટર્નઓવરનો ભારતમાં 53.7 ટકા હિસ્સો હતો, જ્યારે એસજીએકસ ઉપર 46.3 ટકા નોંધપાત્ર હિસ્સો હતો.
ભારતીય શૅરબજારોને પોતાનો ધંધો વિદેશમાં ઘસડાઈ જતો હોવાની ચિંતા હતી ત્યારે બજાર નિયમન સિક્યોરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઈન્ડિયા (સેબી)ની ચિંતા એ હતી કે વિદેશી રોકાણકારો સેબીમાં નોંધણી કરાવ્યા વિના આ એક્સ્ચેન્જિસ ઉપર ધંધો કરી રહ્યા હતા. આના કારણે ભારતીય શૅરબજારોની પ્રવાહિતાની સાથે સ્થિરતા ઉપર પણ જોખમ વધવાની શક્યતા સર્જાઈ હતી.
ભારતીય શૅરબજારોએ પોતાનાં હિતમાં સૂચકાંકો અને ડેટા ફીડના કરાર રદ કર્યા છે, પરંતુ જે તે એક્સ્ચેન્જિસની સાથે નક્કી થયેલા નોટિસ પિરિયડ સુધી આ કરારનું અસ્તિત્વ ચાલુ રહેશે.
ચૌહાણે કહ્યું કે આ કરાર રદ થવાના કારણે બીએસઈ ઉપર કોઈ નાણાકીય જવાબદારી નહીં આવે. બીએસઈના એસજીએકસની સાથે કરાર નહીં હોવાથી તેના ટર્નઓવર ઉપર કોઈ અસર નહીં થાય. આ કરાર રદ થવાથી કુલ અસરના કારણે ભારતીય શૅરબજારોના ટર્નઓવર ઉપર જે થોડીઘણી અસર થશે તે અમદાવાદ નજીક આવેલા ગુજરાત ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (ગિફટ) સિટીના ટર્નઓવરમાં સંભવિત વધનારા ટર્નઓવરના કારણે સરભર થવાની શક્યતા છે, એમ ચૌહાણે કહ્યું હતું.
ગિફટ સિટીમાં વિદેશી રોકાણકારોને કૅપિટલ ગેઈન ટૅક્સ સોદા ઉપર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેકશન ટૅક્સ ભરવામાંથી મુક્તિ જેવા લાભ મળે છે. આ લાભ એસજીએકસમાં મળતા લાભની સાથે સ્પર્ધાત્મક હોવાથી જે વિદેશી રોકાણકારોને ભારતીય બજારોનો લાભ લેવો છે તેમને ગિફટ સિટીમાં દેશના સૌથી જૂનાં શૅરબજાર બીએસઈ અને એનએસઈમાં પ્રવૃત્તિ વધારવાનો અવસર પ્રાપ્ત થયો છે. જોકે, આ લાંબા ગાળાની શક્યતા છે.
ભારતીય અર્થતંત્રનો વિશ્વમાં ઝડપી વિકાસદર અને વ્યાપાર-ઉદ્યોગની વિસ્તરતી ક્ષિતિજોને કારણે વિદેશી રોકાણકારોને ભારતીય બજારોથી અલિપ્ત રહેવું નુકસાનકારક પુરવાર થશે.
વિદેશી શૅરબજારો સાથેના કરાર રદ કરવાનો નિર્ણય આ બજારો માટે આશ્ચર્ય કે આઘાતજનક નહોતો, એમ ચૌહાણે કહેતા ઉમેર્યું કે સરકાર અને મૂડી નિયમનકાર લાંબા સમયથી ભારતીય શૅરબજારોને સ્પર્ધાત્મક બનવાનું કહેતા હતા. ``શૅરબજારો સ્પર્ધાત્મક નહીં હોવાને કારણે વિદેશનાં બજારોમાં ધંધો ઘસડાઈ જતો હતો એ સાચું છે,'' એમ કહેતાં ચૌહાણે વધુમાં કહ્યું કે આ સમસ્યાના એક ઉપાય તરીકે ગિફટ સિટીનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો હતો.
ભારતીય શૅરબજારોના વિદેશી શૅરબજારો સાથેના કરાર રદ કરવાના નિર્ણયના પડઘા છેક અમેરિકામાં પડયા છે. વૉશિંગ્ટનના ફયુચર્સ ઈન્ડસ્ટ્રી ઍસોસિયેશને એક નિવેદનમાં કહ્યું છે કે આ નિર્ણયના પગલે વિશ્વ શૅરબજારોનાં કામકાજ ઉપર અસર થવાની શક્યતા છે. બીજી બાજુ એસજીએકસ પણ ગિફટ સિટીમાં કામકાજ શરૂ કરવાનું વિચારી રહી હોવાના અહેવાલ છે. આ માટે તે એનએસઈનો સહયોગ લે તેવી પણ શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer