બીએસઈ-એનએસઈ ગિફ્ટ સિટીમાંથી વૈશ્વિક રોકાણકારો માટે નવો સૂચકાંક શરૂ કરશે

અૉગસ્ટમાં એસજીએક્સ સાથેનો નોટિસ પિરિયડ પૂરો થતાં પહેલાં  નવી દિલ્હી, તા. 9 માર્ચ  બીએસઈ અને એનએસઈ સાથે મળીને સિંગાપોર સ્ટોક એક્સચેન્જ સાથે સમજૂતી હેઠળ મે મહિલા સુધીમાં નવી પ્રોડક્ટ શરૂ કરે તેવી સંભાવના છે. આ નવો સૂચકાંક એજીએક્સ-નિફ્ટીનું સ્થાન લેશે અને ગુજરાતમાં ગિફ્ટ સિટીમાંથી આવકની વહેંચણીના આધારે તેનું ટ્રેડિંગ થશે. ટ્રેડિંગ સત્તાવાર રીતે સંપૂર્ણપણે ચાલુ થાય તે પહેલા પ્રાયોગિક ધોરણે હાથ ધરાશે.  નાણાં મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ જો આ વર્ષે અૉગસ્ટ સુધીમાં એસજીએક્સ-નિફ્ટીનું રિપ્લેસમેન્ટ ન થાય એટલે કે તેના સ્થાને અન્ય કોઈ પ્રોડક્ટ શરૂ ન કરાય તો ભારતને નહીં, પરંતુ રોકાણકારોને નુકસાન છે. જોકે, આપણાં શૅરબજારો માટે પોતાની શક્તિ વધુ સુદૃઢ બનાવવી વધુ સારી. નાણાં મંત્રાલયે ઉમેર્યું કે સેબી સાથેની વાતચીત બાદ અમને લાગે છે કે મે મહિના સુધીમાં ભારતીય શૅરબજારો અને એસજીએક્સ વચ્ચે જોડાણનો કોઈ ઉપાય મળી જશે અને સેબીને એ માટે કોઈ સમસ્યા નહીં હોય.  બીએસઈ અને એનએસઈ સિંગાપોર અને દુબઈ સાથે જોડાણ બાબતે ચર્ચા કરી રહ્યા છે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારના ખેલાડીઓને ગુજરાત ગિફ્ટ સિટીમાં એનએસઈના ઈન્ટરનેશનલ એક્સચેન્જ - એનએસઈ આઈએફએસસી ઉપર ટ્રેડિંગની મંજૂરી મળે.  એનએસઈ, બીએસઈ અને મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જે અગાઉ તમામ વિદેશી શૅરબજાર તેમ જ ટ્રેડિંગ પ્લેટફોર્મને સૂચકાંકો અને સિક્યુરિટીઝ-સંબંધિત માહિતી પૂરી પાડવાની સેવા માટેના પરવાના કરારો રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે વિદેશનાં શૅરબજારોમાં ભારતીય સૂચકાંકો આધારિત ડેરિવેટિવ કોન્ટ્રાક્ટસનું ટ્રેડિંગ બંધ કરવાનો નિર્ણય સંયુક્તપણે લીધો હતો. એટલે કે લોકપ્રિય એવા એસજીએક્સ નિફ્ટી ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ અૉગસ્ટમાં છ મહિનાનો નોટિસ પિરિયડ પૂરો થતાં બંધ થઈ જશે.  સિંગાપોર એક્સચેન્જે અગાઉ જણાવ્યા મુજબ તે ભારતીય બજારો સુધી પહોંચ મેળવી શકે તેવાં નવાં રિસ્ક મેનેજમેન્ટ સોલ્યુશન્સ શરૂ કરશે, જેનાથી એસજીએક્સ ઇન્ડિયાના વૈશ્વિક સહભાગીઓ ટ્રેડિંગ ચાલુ રાખી શકે. એસજીએક્સે એમ પણ જણાવ્યું હતું કે તે એનએસઈના ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક (ગિફ્ટ)માં આવેલા સેન્ટર આઈએફએસસીમાંથી વૈશ્વિક રોકાણકારો માટે પ્રોડક્ટ્સ શરૂ કરવા વિચારી રહી છે.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer