શૅરબજારોની સાવચેતીભરી ચાલ : સૂચકાંકો નજીવા ઘટાડે બંધ

ટ્રમ્પ-કિમના સમાચારોને પગલે શૅરબજારોએ રાહતનો શ્વાસ લીધો   જીએસટી કાઉન્સિલની આજની બેઠક અને આર્થિક આંકડાની રાહમાં ખેલાડીઓએ મોટી પોઝિશન્સ ટાળી  વ્યાપાર ટીમ  મુંબઈ, તા. 9 માર્ચ  એશિયાનાં બજારોમાંથી મળતા સંકેતોને પગલે શુક્રવારે સૂચકાંકો મોટા ભાગે ફ્લેટ બંધ થયા હતા. બીએસઈ અને એનએસઈમાં છેલ્લા કલાકની આક્રમક વેચવાલીને કારણે ગુરુવારની તેજી ટકી શકી ન હતી અને સૂચકાંકો નજીવા ઘટાડે બંધ નોંધાયા હતા. શનિવારે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠક તેમ જ સોમવારે જાહેર થનારા અર્થતંત્રના મહત્ત્વપૂર્ણ આંકડા ઉપર બજારની નજર મંડાયેલી છે.  ડાયમંડ કિંગ ગણાતા નીરવ મોદીની સંડોવણી સાથે દેશમાં બૅન્ક સાથે થયેલી સૌથી મોટી રૂા.127 અબજની છેતરપિંડી સામે આવશ્યક જોગવાઈઓ કરવા માટે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બૅન્કને ચાર ત્રિમાસિક ગાળા - એટલે કે એક વર્ષનો સમય આપશે તેમ કહેવાય છે. બૅન્કે નિયામકને પત્ર દ્વારા જોગવાઈઓ બાબતે માર્ગદર્શન-મંતવ્ય માગ્યું છે.  વૈશ્વિક બજારોમાં એશિયાની કંપનીઓના શૅર તેજીતરફી હતા અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોન્ગ ઉને ન્યુક્લિયર અને મિસાઈલનું પરીક્ષણ અટકાવવા તૈયાર બતાવતા તેમ જ મે મહિના પહેલા બેઠક યોજવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સહમતિ દર્શાવતા યેન સુધર્યો હતો.  જાપાનનો સૂચકાંક નિક્કી 0.5 ટકા વધ્યો હતો અને દક્ષિણ કોરિયાના શૅર્સ એક ટકાથી વધુ વધ્યા હતા. એમએસસીઆઈનો સૌથી વિસ્તૃત જાપાન સિવાયના એશિયા-પેસિફિક શૅર્સનો ઈન્ડેક્સ 0.6 ટકા વધ્યો હતો. ટ્રમ્પે મેટલ ઉપરની જકાત માટે કેનેડા અને મેક્સિકોને શરતી અપવાદ અૉફર કરતાં પ્રચંડ ટ્રેડ વૉર ટાળી શકાશે તેવી આશાએ બજારનો મૂડ સુધર્યો હતો. અમેરિકાએ જણાવ્યું હતું કે અન્ય દેશો સ્ટીલની આયાત ઉપર 25 ટકા જકાત તેમ જ એલ્યુમિનિયમ માટે 10 ટકા જકાતમાંથી અપવાદ મેળવવા અરજી કરી શકે છે, પરંતુ તેમને ક્યારે અને કઈ શરતો હેઠળ અપવાદની મંજૂરી અપાશે તે બાબતે કશું જણાવાયું નથી.   મહત્ત્વના આંકડા  સમગ્ર સપ્તાહ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બે ટકાથી વધુ ઘટયા હતા. શુક્રવારે કામકાજને અંતે બીએસઈ સેન્સેક્સ 44.43 પોઈન્ટ ઘટીને 33,307.14 તેમ જ નિફ્ટી 15.80 પોઈન્ટ ઘટીને 10,226.85ની સપાટીએ બંધ નોંધાયો હતો. બીએસઈમાં 19માંથી 14 ક્ષેત્રવાર સૂચકાંકો ઘટાડે બંધ નોંધાયા હતા, જેમાં મેટલ ઈન્ડેક્સ 1.94 ટકા ઘટાડા સાથે મોખરે હતો. બીએસઈ મિડકેપ 0.35 ટકા અને સ્મોલકેપ 0.30 ટકા ઘટયો હતો. ટીસીએસ, એચડીએફસી, ઈન્ફોસિસ અને હિન્દુસ્તાન યુનિલિવર ટોચના વધેલા શૅર્સ હતા, જ્યારે તાતા સ્ટીલ, એક્સિસ બૅન્ક, અદાણી પોર્ટસ અને સન ફાર્મા સૌથી વધુ ઘટયા હતા. નિફ્ટીમાં 22 શૅર્સ વધીને તેમ જ 28 ઘટીને બંધ નોંધાયા હતા.  ક્ષેત્રવાર સૂચકાંકો  ક્ષેત્રવાર સૂચકાંકોમાં કેનેરા બૅન્ક, આઈડીબીઆઈ બૅન્ક અને ઓરિયેન્ટલ બૅન્ક અૉફ કૉમર્સના શૅર્સ ઘટવાને પગલે નિફ્ટી પીએસયુ બૅન્ક ઈન્ડેક્સ 1.81 ટકા તૂટયો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ 1.81 ટકા તૂટયો હતો. તેનો ઘટાડો સેઇલ, જિન્દાલ સ્ટીલ ઍન્ડ પાવર તેમ જ તાતા સ્ટીલના શૅર્સના ભાવ તૂટવાને પગલે નોંધાયો હતો. એનએસઈમાં નિફ્ટી મીડિયા, આઈટી અને એફએમસીજીને બાદ કરતાં તમામ સૂચકાંકો ઘટાડે બંધ નોંધાયા હતા. નિફ્ટી આઈટી સૌથી વધુ વધ્યો હતો.   શૅર્સમાં અફડાતફડી  યુનિયન બૅન્ક અૉફ ઇન્ડિયાએ નીરવ મોદીની કંપનીઓમાં રૂા.120 કરોડ તેમ જ મેહુલ ચોક્સીની કંપનીઓમાં રૂા.175 કરોડનાં સીધાં ધિરાણો કર્યાં હોવાનું જાહેર કરતા બૅન્કના શૅર્સ દિવસના કામકાજ દરમિયાન 3.27 ટકા ઘટીને રૂા.93.15 થયા હતા. કામકાજને અંતે શૅર 2.8 ટકા ઘટીને રૂા.93.60એ બંધ નોંધાયા હતા.   બાવન સપ્તાહનું તળિયું જોનારા 116 શૅર્સમાં અદાણી પાવર, અલ્લાહાબાદ બૅન્ક, કેનેરા બૅન્ક અને કોર્પોરેશન બૅન્કસ સામેલ હતા. બાવન સપ્તાહની ટોચ નોંધાવનારા 12 શૅર્સમાં અશોક લેલેન્ડ (1.84 ટકા વધ્યો) સામેલ હતો.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer