નિર્મલ અને શાપુરજી પાલિનજી રિયલ એસ્ટેટ મુલુંડમાં 30 લાખ ચોરસફૂટ જમીન ડેવલપ કરશે

મુંબઈ, તા. 9 માર્ચ  મુલુંડમાં 30 લાખ ચોરસફૂટ જમીનને ડેવલપ કરવા માટે અગ્રણી રિયલ એસ્ટેટ કંપની નિર્મલે શાપોરજી પાલોનજી રિયલ એસ્ટેટ જૂથ સાથે બે ડેવલપમેન્ટ મેનેજમેન્ટ એગ્રીમેન્ટ કરાર કર્યા છે. તે અનુસાર બે રહેણાંક પ્રોજેક્ટ- ઓલ્પિયા અને સિટી અૉફ જોયને મુલુંડ વિસ્તારમાં ડેવલપ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાંથી રૂા.5000 કરોડની આવક થવાનો અંદાજ છે. સ્થળ અને કનેક્ટિવિટીને જોતા આ પ્રોજેક્ટ મુલુંડ ક્ષેત્રમાં શ્રેષ્ઠ ગણાશે.   આ ભાગીદારી બાબતે નિર્મલના ચૅરમૅન અને મેનેજિંગ ડિરેક્ટર ધર્મેશ જૈને જણાવ્યું હતું કે, અમે અમારી કુશળતા, કાબેલિયત અને કાર્યશક્તિથી મુલુંડમાં આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટને ડેવલપ કરીશું. એક જ વારમાં 10 લાખ ચોરસફૂટથી વધારે ભાગમાં બાંધકામ કરવું કોઈ પણ ડેવલપર માટે મુશ્કેલ હોય છે, એમાં પણ જ્યારે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી હોય. અમે આ વિશાળ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે તૈયાર છીએ. તેમ જ અમે મુલુંડની નામાંકિત બ્રાન્ડ્સ સાથે સહયોગ કર્યો છે. સાથે મળીને અમે 30 લાખ ચોરસફૂટથી પણ વધુ ડેવલપ કરી શકીશું.   નિર્મલ દ્વારા જમીન અને પરવાનગીઓ લેવાશે જ્યારે બાંધકામ શાપોરજી પાલોનજી કરશે. પ્રોજેક્ટ્સનું કો-બ્રાન્ડિંગ બંને બ્રાન્ડ દ્વારા થશે. પાંચથી છ વર્ષમાં 1,2,3 બેડરૂમ હોલ-કિચનના 4000 જેટલા ફ્લેટ વેચાણ માટે તૈયાર હશે. દરેક પ્રોજેક્ટમાં ભંડોળ ઉપલબ્ધ થશે અને આગામી બે મહિનામાં ભંડોળના વિતરણની શરૂઆત થશે.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer