ચૅરમૅન હાર ભાળી જતાં રાજકોટ ડેરીની ચૂંટણી એકાએક સ્થગિત

બિનહરીફ બનનારી ચૂંટણીમાં   છેલ્લે છેલ્લે બહુમતી નહીં મળવાનો ભય  રાજકોટ, તા. 9 માર્ચ  રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અર્થાત રાજકોટ ડેરીના ચૅરમૅનની શુક્રવારે યોજાનારી ચૂંટણી એકાએક સ્થગિત કરી દેવામાં આવી હતી. ચૂંટણી અધિકારીએ અચાનક જ આ નિર્ણય લીધો હતો. જોકે એ પાછળ વર્તમાન ચૅરમૅન ગોવિંદભાઇ રાણપરિયાની જીત અનિશ્ચિત થઇ જવાનો ભય લાગતા સરકારે ઉક્ત નિર્ણય કરાવ્યો હોવાનું ચર્ચાય રહ્યું છે. હવે સ્થિતિ સાનુકૂળ થઇ ગયા પછી ચૂંટણી યોજાશે.  રાજકોટ ડેરીમાં કુલ 15 સભ્યો ચૂંટાયેલા છે. પાંચ કો-અૉપ્ટ સભ્યો છે. કુલ 20 સભ્યો છે. પાંચથી સાત સભ્યો બે દિવસથી ગોવિંદભાઇથી નારાજ થઇને અજ્ઞાતવાસમાં જતા રહ્યા છે. ભાજપના જ કેટલાક સભ્યો ડેરીના વહીવટ સામે નારાજ છે. પરિણામે આજે ચૂંટણી યોજાય તોપણ બહુમતી ન મળવાનો ભય હતો. આમ ચૂંટણી બિનહરીફ યોજવાની શક્યતા ધૂળધાણી થઇ ગઇ હતી. ભાજપની સ્થિતિ પાછલી વિધાનસભાની ચૂંટણીમાં નબળી રહી હતી. હવે સહકારી ક્ષેત્રમાં પણ નારાજગી વધી રહી છે. જો ડેરીનો વહીવટ ગુમાવવો પડે કે માંડ માંડ જીત મળે તો રહી સહી આબરૂ પણ જાય એવી સ્થિતિમાં ચૂંટણી પાછી ઠેલવી પડી છે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer