ગુજરાતમાં મગફળીની ખરીદીની મુદત લંબાવવા કેન્દ્ર સમક્ષ રજૂઆત

અમારા પ્રતિનિધિ તરફથી  અમદાવાદ, તા. 9 માર્ચ  મગફળી ખરીદીનો શુક્રવારે છેલ્લો  દિવસ હતો ત્યારે  ગુજરાત સરકારે મગફળી ખરીદી લંબાવવા માટે કેન્દ્રસરકારમાં રજૂઆત કરી છે. ખેડૂતોના એક લાખ ટન મગફળી ખરીદવાના લક્ષ્યાંક સામે માંડ 18થી 20 હજાર ટન મગફળી જ ખરીદી શકાઇ હોવાનો સ્વીકાર રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કર્યો હતો.  કૃષિપ્રધાનના જણાવ્યા પ્રમાણે કેન્દ્રસરકારે મૌખિક રીતે મગફળીની 10 દિવસ ખરીદી થશે તેમ જણાવ્યું હતું પરંતુ નાફેડનો માત્ર પાંચ દિવસ ખરીદીનો જ પત્ર મળ્યો હતો. આ અંગે પણ રાજ્યસરકારે કેન્દ્રના કૃષિપ્રધાનને રજૂઆત કરી છે અને મગફળીની ખરીદી લંબાવવા અનુરોધ   કર્યો છે.   રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, ગત વખતે મગફળીની ખરીદી માટે 237 કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા. પરંતુ તેમાંથી આ વખતે અૉનલાઇન રજિસ્ટર થયેલા ખેડૂતોની જ મગફળીની ખરીદી કરવાની હોવાથી સીસીટીવી કેમેરા સાથેની સુવિધાવાળા  માત્ર 59 કેન્દ્રો ચાલુ રહ્યા હતા અને તેમાં બીજા 10 કેન્દ્રો ઉમેરાતા કુલ 69 કેન્દ્રો પરથી ખેડૂતોની મગફળી ખરીદવામાં આવી રહી છે.   મગફળીના આટલા મોટા જથ્થા સામે 69 કેન્દ્રો ઓછા ન કહેવાય? તેવા પ્રશ્નના પ્રત્યુતરમાં ફળદુએ કહ્યું કે, સીસીટીવી સાથેની સુવિધાવાળા કેન્દ્રો ઊભા કરવા ઉપરાંત  મજૂરો નહીં મળવાને કારણે કેન્દ્રો શરૂ કરી શકાયા નથી. વળી, પહેલા તો અૉફલાઇન વાળા ખેડૂતો માલ લઇને કેન્દ્રો ઉપર આવતા તો માનવતાના ધોરણે પણ તેમની મગફળી લઇ લેવામાં આવતી હતી. પરંતુ આ વખતે માત્ર અૉનલાઇન રજિસ્ટર થયેલા ખેડૂતોની જ મગફળી લેવાની હોવાથી મર્યાદિત કેન્દ્રો પરથી જ મગફળીની ખરીદી કરી શકાઇ છે. એટલું જ નહીં અૉનલાઇન રજિસ્ટર થયેલા ખેડૂતોની પણ પૂરતી મગફળી ખરીદી થઇ શકી નથી તેવી ફરિયાદ પણ ખેડૂતોમાં ઊઠી છે.   અહીં નોંધવું ઘટે કે, નાફેડ દ્વારા માત્ર 5 દિવસ માટે મગફળી ખરીદીનો પત્ર રાજ્યસરકારને ખરીદી શરૂ થાય તે પહેલા મળ્યો હતો ત્યારબાદ રાજ્યસરકારની  કેન્દ્રસરકારને સતત રજૂઆત બાદ આજે છેલ્લા દિવસે પણ કેન્દ્રસરકાર તરફથી નાફેડને કોઇ સૂચના નહીં આપતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એટલું જ નહીં અૉનલાઇન રજિસ્ટર થયેલા ખેડૂતોની પણ પૂરતી મગફળીની ખરીદી થઇ શકી નથી તેવી ફરિયાદ પણ ખેડૂતોમાં ઊઠી છે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer