અમેરિકા-ઉ.કોરિયાના સંબંધો સુધરવાના સંકેતથી સોનું તૂટયું

અમારા પ્રતિનિધિ તરફથી  રાજકોટ, તા. 9 માર્ચ  યેન સામે ડૉલરના મૂલ્યમાં તેજી થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ સળંગ ત્રીજા દિવસે ઘટયો હતો. ન્યૂ યોર્ક સોનામાં 1320 ડૉલર પ્રતિ ઔંસ થઇ ગયા હતા. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી તનાવભરી સ્થિતિનો અંત આવવાના ચિહ્નો મળ્યા છે. એ ઉપરાંત શુક્રવારે જાહેર થનારા બિનકૃષિ ક્ષેત્રના રોજગારીના આંકડાઓની જાહેરાત થાય એ પૂર્વે ડૉલરમાં તેજીનો માહોલ સર્જાયો હતો.  ટ્રમ્પે ગુરુવારે એવું નિવેદન આપ્યું હતું કે અમે કોરિયાના લીડર કિમ જોંગ સાથે વાતચીતકરીને પહેલી ઉત્તર કોરિયા-અમેરિકા સમિટ યોજવાના આયોજનમાં છીએ. એ કારણે પ્યોંગયાંગમાં થયેલા ન્યૂક્લિયર ટેસ્ટ પછી સર્જાયેલું ટેન્શન આપોઆપ હળવું થઇ જાય તેમ છે. હોંગકોંગના એક ટ્રેડર કહે છે, ટ્રમ્પ અને જોંગના પ્રતિભાવો અને ચર્ચા કેવી રહે છે એ મહત્ત્વનું છે. સોનાના ભાવ પર આ બન્ને દેશોના સંબંધોની અસર ચોક્કસ વર્તાશે.  અમેરિકી ડૉલરનું મૂલ્ય ગયા અઠવાડિયામાં 16 મહિનાના તળિયે પહોંચ્યું હતું. ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર ટેરિફ લગાવવાની જાહેરાત પછી વેપારયુદ્ધ છેડાવાનો ભય હતો. સોનામાં એ કારણે સુધારો હતો. હવે ફરી મંદીનું કારણ આવ્યું છે. અમેરિકા માર્ચની બેઠકમાં વ્યાજદરમાં ફેરફાર કરી શકે છે અને ચારેક વધારા 2018માં આવશે એવો ભય છે એટલે ઇટીએફ દ્વારા પણ અનામતોમાં મોટો ફેરફાર કરવામાં આવતો નથી. એક વિશ્લેષક કહે છે, આગામી છ માસમાં સોનાનો ભાવ 1275 સુધી જવાની પૂરતી શક્યતા છે. અમેરિકાના રોજગારીના આંકડાઓ શુક્રવારે પોઝિટીવ આવે તો સોનામાં નફારૂપી વેચવાલી અવશ્ય જોવા મળશે.  દરમિયાન રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂા. 80ના ઘટાડામાં રૂા.31,420 હતો. મુંબઈમાં રૂા.90ના ઘટાડામાં રૂા.30,545 હતું. ચાંદીનો ભાવ ન્યૂ યોર્કમાં 16.45 ડૉલર રનિંગ હતો.રાજકોટમાં એક કિલોએ રૂા.200 ઘટતા રૂા.38,800 હતી. મુંબઈ ચાંદી રૂા.25 વધતા રૂા.38,385 હતી.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer