કાંદામાં ભારે મંદી : સફેદ કાંદા સાવ સસ્તા !

ખેડૂતોની લાખના બાર હજાર જેવી સ્થિતિ : ડિહાઇડ્રેશનના 90 ટકા યુનિટો પડતરના અભાવે બંધ  અમારા પ્રતિનિધિ તરફથી  રાજકોટ, તા. 9 માર્ચ  કાંદામાં મંદીનો ધડાકાભેર આરંભ થઇ ગયો છે. પાછલા એક સપ્તાહમાં સૌરાષ્ટ્રમાં કાંદાના ભાવ જે રીતે તૂટયા છે એ કારણે ખેડૂતોનાં હૈયે જાણે ફાળ પડી છે. બંપર ઉત્પાદન અને સીમિત માગ વચ્ચે સૌરાષ્ટ્રમાં લાલ કાંદાનો ભાવ એક મણે રૂા. 70 ઘટી ગયો છે. સફેદમાં તો રૂા. 180 જેટલી મંદી થઇ છે. વિકટ પરિસ્થિતિ વચ્ચે હવે ખેડૂતોની મદદે સરકાર આવે તો જ નુકસાની હળવી થાય એમ છે.  પહેલી માર્ચના દિવસે મહુવા યાર્ડમાં સફેદ કાંદાનો ભાવ રૂા. 50થી 290 હતો. જ્યારે લાલ કાંદાનો ભાવ રૂા. 80થી 240 હતો. આજરોજ સફેદના રૂા. 70થી 100 અને લાલના રૂા. 120-170 થઇ ગયા હતા. જબરદસ્ત મંદીને લીધે ખેડૂતો ડઘાઇ ગયા છે. નિકાસપાત્ર સફેદ કાંદા બહુ ઓછા આવે છે તેનો ભાવ રૂા. 300-330 જેટલો હોય છે પણ આવો જથ્થો જૂજ હોય છે. 90 ટકા સફેદ કાંદા મફતના ભાવમાં વેચાય છે.  ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને આંધ્રમાં વાવેતર વિશાળ હતું. હવે નવા માલની આવકો વેગ પકડી રહી છે એટલે મંદી છે. બીજી તરફ નિકાસ બજારમાં ઘરાકી નથી. પાકિસ્તાનના કાંદા પાડોશી દેશોમાં સસ્તા મળે છે એટલે નિકાસ નહીવત થાય છે તેમ વેપારીઓનું કહેવું છે.  મહુવા અને ભાવનગરમાં હાલ મહત્તમ આવકો રહે છે. મહુવામાં સફેદની આવક 80 હજાર ગૂણીની અને લાલની આવક 30 હજાર ગૂણીની થાય છે. ભાવનગરમાં સફેદની 10 અને લાલની 30 હજાર ગૂણી આવે છે. રાજકોટમાં કાંદાની 1200 ગૂણી અને ગોંડલમાં આશરે ત્રણેક હજાર ગૂણી આવે છે. ખેડૂતો ગામડે બેઠા પણ કાંદાની ભારે વેચવાલી કરી રહ્યા છે. ચાલુ વર્ષે ઉત્પાદન મોટું છે એટલે હવે દોઢેક માસ સુધી આવકોનું જોર રહેશે.  મહુવાના એક વેપારી કહે છે, સફેદ કાંદાની હાલત બહુ ખરાબ છે. મહુવામાં ડિહાઇડ્રેશનના 100 કરતાં વધારે કારખાનાં છે પરંતુ 15-20ને બાદ કરતા મોટાંભાગના કારખાનાઓ બંધ છે. સફેદ કાંદાનો નિકાલ થતો નથી. જે કારખાનાં ચાલુ છે તેમાંય અમુકમાં સરકારી ખાતાની તપાસ આવતા માંડ માંડ ચાલી રહેલા કારખાનાં ફરી બંધ થઇ જાય એવી હાલત છે.  ડિહાઇડ્રેશન યુનિટો પાસે પુષ્કળ માલ પડયો છે. હવે વિદેશમાં નિકાસની પડતર નથી એ કારણે નવો માલ ખરીદતા નથી. સફેદ કાંદાનો નિકાલ ડિહાઇડ્રેશન સિવાય મુશ્કેલ છે છતાં ખેડૂતો લાલ કરતાં સફેદ વધારે વાવી રહ્યા હોવાથી હવે બરાબર ફસાયા છે.  દરમિયાન લાલ કાંદામાં સામાન્ય રીતે આપણા માલ દિલ્હી અને પંજાબ જતા હોય છે ત્યાં ગાડીની અછત છે. આવવામાં સૌરાષ્ટ્ર તરફનો ટ્રાફિક ઓછો મળતો હોવાથી ભાડાં વધી જતા પોસાણ થતું નથી. અગાઉ દિલ્હી-પંજાબ તરફની ગાડી રૂા.31 હજારમાં ભરાતી હતી તેના હાલ રૂા. 37 હજાર થઇ ગયા છે. કાંદાની આવકો આવનારા સમયમાં હજુ વધવાની છે એ જોતા સ્થિતિ વધુ કથળે તેમ છે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer