સૌરાષ્ટ્રમાં નવાં લસણનો આરંભ, ભાવમાં મંદી

મધ્યપ્રદેશમાં રોજિંદી 80થી 90 હજાર ગૂણીની આવક વચ્ચે ભાવ તળિયે  અમારા પ્રતિનિધિ તરફથી  રાજકોટ, તા. 9 માર્ચ  સૌરાષ્ટ્રમાં નવા લસણની આવકનો આરંભ થઇ ચૂક્યો છે. રાજકોટ, ગોંડલ અને જેતપુર જેવા યાર્ડોમાં હવે સામાન્ય આવક છે. નવી આવકો પૂર્વે જ અતિશય મંદી થઇ જતા ખેડૂતો લસણ વેંચવું કે નહીં તેની દ્વીધામાં છે. મંદીને લીધે આરંભમાં આવકો ઘણી ઓછી રહે તેવી શક્યતા છે.  ગોંડલમાં 250 ગુણી અને રાજકોટમાં100થી 150 ગુણીની નવી આવક હવે રોજબરોજ થઇ રહી છે. જોકે ભાવ અતિશય નીચે પ્રતિ મણ રૂા.150-400 વચ્ચે જ બોલાય છે. અલબત્ત નવા માલની ગુણવત્તા અને સાઇઝ ખૂબ સારી છે. ખેડૂતોએ વીઘાદીઠ ઉતારો પણ ઘણો સારો પ્રાપ્ત થયો છે એ કારણે ખેડૂતો સારો માલ સાચવી રાખે તેમ છે.  જૂનું લસણ સૌરાષ્ટ્રમાં 1000-1200 ગુણી આવી રહ્યું છે. જૂના લસણનો ભાવ રૂા. 80-150 બોલાય છે. ડિહાઇડ્રેશન એકમો સસ્તાં માલ ખરીદે છે. નવું લસણ લોકલ માગમાં વપરાઇ જાય છે. બહારના રાજ્યોમાં જાવક નથી. બહાર મધ્યપ્રદેશમાં ખૂબ આવકો છે ત્યાંથી સપ્લાય થઇ રહ્યો છે.  મધ્યપ્રદેશમાં કુલ 80થી 90 હજાર ગુણી લસણ રોજબરોજ આવે છે. ઇંદોરમાં 15, મંદસૌરમાં 15, પીપલીયામાં 10 અને નીમચ મથકે 10 હજાર ગુણીની આવક થાય છે. છેલ્લાં પંદરેક દિવસથી માલ આવક સારી છે. જોકે વેપાર ફક્ત દેશાવર પૂરતા છે. મધ્યપ્રદેશમાં લસણનો ભાવ પ્રતિ મણ રૂા.800થી 1800 અને બેસ્ટ માલમાં રૂા.2000 ક્વિન્ટલ દીઠ ચાલે છે.   મધ્યપ્રદેશના એક વેપારી કહે છે, ચીનમાં આ વર્ષે લસણ સસ્તું છે એ કારણે ભારતમાંથી નિકાસ પડતર બેસતી નથી. ગયા વર્ષે આરંભમાં ભાવ નીચાં હતા એટલે નિકાસ કામકાજો સારાં રહ્યા. જોકે આ વર્ષે ચીનનું લસણ આપણને નડી રહ્યું છે એટલે નિકાસમાં પ્રભાવ નથી.  જોકે, આ વર્ષે લસણની મંદી જોતા ખેડૂતોની હાલત પતલી થઇ જવાની છે. કાંદાના ભાવમાં પણ ભારે મંદી ચાલી રહી છે ત્યારે લસણના મોરચે પણ સહન કરવાનું આવશે. અલબત્ત લસણ ઘરમાં સારી-સૂકી જગ્યામાં સંઘરી શકાતું હોવાથી આઠથી દસ મહિના ટકી શકે છે. ખેડૂતો વેંચવામાં ઉતાવળ ન કરે તો એમાં કશું ખોટું પણ નથી.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer