ખાંડની નિકાસમાં જબ્બર વધારો થવાની ધારણા

મુંબઈ, તા. 9 માર્ચ  દેશના શેરડીના મુખ્ય ઉત્પાદક પ્રદેશોમાં પેદાશ વધતાં આ વર્ષે ખાંડની નિકાસમાં જબ્બર ઉછાળો આવવાની ધારણા છે. સ્થાનિક ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા જોઈને નિકાસને પ્રોત્સાહન આપવા જકાત રદ કરવા સરકાર તૈયાર હોવાનું કહેવાય છે.  સ્થાનિક ઉત્પાદન વિક્રમરૂપ સપાટીએ પહોંચવાથી ખાંડ મિલો આ વર્ષે 20 લાખ ટન જેટલી ખાંડની નિકાસ કરે તેવી ધારણા છે, એમ ઇન્ડિયન સુગર મિલ્સ ઍસોસિયેશનના ડિરેક્ટર જનરલ અવિનાશ વર્માએ જણાવ્યું હતું.  જે 2013-14ની 21.3 લાખ ટનની નિકાસ પછી સૌથી વધુ હશે. ગયા મહિને વર્માએ ખાંડની નિકાસ 15 લાખ ટન થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.   ``આગામી છથી સાત મહિનામાં સરકારની મદદથી અમે સફેદ ખાંડની નિકાસ વધારવા માટે પ્રયત્નો કરીશું. અૉક્ટોબરથી શરૂ થતી આગામી સિઝનમાં મિલો 40 લાખ ટન કાચી ખાંડની નિકાસ કરશે, જેથી વણવેચાયેલો સ્ટોક મર્યાદામાં રહે, એમ તેમણે જણાવ્યું હતું.   યુરોપ અને ભારતમાં ઉત્પાદન વધતાં ખાંડના વૈશ્વિક ભાવ છેલ્લા એક વર્ષમાં 28 ટકા જેટલા ઘટી ગયા છે. ઈસમાએ 2017-18 માટે ખાંડના ઉત્પાદનનો અંદાજ 13 ટકા વધારીને 295 લાખ ટનનો મૂક્યો છે, જે આજ સુધીનું સર્વોચ્ચ ઉત્પાદન છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઊંચા ઉત્પાદનને પગલે ઈસમાએ બે મહિનાથી ઓછા સમયમાં  પોતાના અંદાજમાં ફેરફાર કર્યો છે. હાલની વાવણીને જોતાં 2018-19માં ખાંડનું ઉત્પાદન આનાથી પણ વધારે થશે એવું લાગે છે.  મિલો ખાંડની નિકાસ પરની 20 ટકા ડયૂટી નાબૂદ કરવાની માગણી કરી રહી છે. વર્માએ કહ્યું કે, વર્તમાન વૈશ્વિક ભાવના હિસાબે ડયૂટીના પગલે નિકાસકારો પ્રતિ કિલો રૂા.10 (15 ટકા) ગુમાવી રહ્યા છે. નિકાસકારો ખોટ કરીને પણ નિકાસ કરશે જેથી બાકીનો જથ્થો  સ્થાનિક બજારમાં ઊંચા ભાવે વેચી શકાય. જો સ્થાનિક ભાવમાં કિલોદીઠ રૂા.1નો વધારો થાય તો પણ મિલરોની ખોટ ભરપાઈ થઈ જાય તેમ છે.   સરકાર જે નિકાસ પ્રોત્સાહન આપવાની વિચારણા કરી રહી છે. તેમાં નિકાસ પરની 20 ટકા ડયૂટીને નાબૂદ કરવાનો પણ સમાવેશ થાય છે, એમ એક ખાદ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.   તે ઉપરાંત ન્યૂનતમ સૂચિત નિકાસ કોટાનો પ્રસ્તાવ છે, જે અંતર્ગત મિલોએ તેમણે કબૂલેલા ન્યૂનતમ જથ્થાની ફરજિયાત નિકાસ કરવાની રહેશે અને સરકાર એવા ખેડૂતોને પ્રોત્સાહન આપશે જેમની પાસેથી તે મિલો શેરડીની ખરીદી કરે. ડયૂટી ફ્રી ઈમ્પોર્ટ અૉથોરાઈઝેશન (ડીએફએઆઈ) અંતર્ગત ખાંડની નિકાસ કરવાનો પણ પ્રસ્તાવ વિચારણા હેઠળ હોવાનું અધિકારીએ ઉમેર્યું હતું.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer