મગફળીની ખરીદીનો પહેલા દિવસે જ ફિયાસ્કો !

મગફળીની ખરીદીનો પહેલા દિવસે જ ફિયાસ્કો !
સરકારે માંડ 600 ટન ખરીદી : અડધા કરતાં વધારે કેન્દ્રો શરૂ જ ન થતાં કિસાનોમાં રોષ  રાજકોટ, તા. 9 માર્ચ  વધારાની એક લાખ ટન મગફળી ખરીદવાની જાહેરાતનો પ્રથમ દિવસે જ ફિયાસ્કો થયો હતો કારણકે નાફેડે સૂચવેલી પાંચમાંથી માંડ ત્રણેક જેટલી સંસ્થાના કેન્દ્રો છૂટાછવાયાં શરૂ થયાં હતાં. સરકારે 110 કેન્દ્રો ખોલવાની જાહેરાત કર્યા પછી પહેલા દિવસે અડધા કેન્દ્રોમાં પણ ખરીદી ન થઇ. ખરીદી માટે 9 માર્ચ છેલ્લો દિવસ છે, પણ ખરીદ સંસ્થાઓની તૈયારી અને નવા નિયમોને લીધે પ0- 50 હજાર ટન મગફળી પણ માંડ લઇ શકાય તેમ છે.   ગુજકોટ, ગુજકોમાસોલ, બનાસ ડેરી, સાબર ડેરી અને ગુજપ્રોને ખરીદીનું કામકાજ આપવામાં આવ્યું છે. એમાંથી ગુજકોટના 38 જેટલાં કેન્દ્રો શરૂ થયાની માહિતી મળી હતી. 550થી 600 ટન જેટલી મગફળીની ખરીદી થઇ હતી. ગુજકોટમાં 18,666 ખેડૂતો નોંધાયેલા છે. ગુજકોમાસોલના ફક્ત બે કેન્દ્રો શરૂ થયા હતા. સંસ્થાને   કુલ 21 કેન્દ્રો ફાળવાયા છે. આવતીકાલે બધા કેન્દ્રો શરૂ  થાય તેમ છે. અન્ય સંસ્થાઓના લગભગ કોઇ કેન્દ્રો ચાલુ જ નહીં થયા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.  ટૂંકમાં પ્રથમ દિવસે 600 ટન કરતા વધારે મગફળી ખરીદવામાં આવી નથી. સરકારે આ વખતે ફક્ત અગાઉ નોંધાયેલા ખેડૂતોની મગફળી ખરીદવાનું નક્કી કરેલું છે. વીડિયોગ્રાફી, સીસીટીવી કૅમેરા, હલર મશીનનો ઉપયોગ, ગોદામની સલામતી વગેરે ઘણાં નિયમો લાગુ કર્યા છે. મોટાભાગનાનું એમાં પાલન થઇ શકે એમ નથી છતાં ખરીદી આરંભાઇ છે.  ઉલ્લેખનીય છે કે સરકારી સંસ્થાઓ રોજ 15 હજાર ટનની ખરીદી કરે તો પણ 1 લાખ ટનની ખરીદી કરી શકે તેમ નથી. કારણકે હવે ફક્ત ચાર જ દિવસ અર્થાત 9મી માર્ચ સુધી ખરીદી માટે છૂટ આપવામાં આવી છે. એ જોતા મહત્તમ 60 હજાર ટન મગફળી જ લઇ શકશે. ટૂંકમાં આ વખતે પણ મગફળી ખરીદીનો ફિયાસ્કો થવાનો  નક્કી દેખાય છે.   તળાજાથી મળતા અહેવાલ પ્રમાણે શહેરમાં કેન્દ્ર  શરૂ થવાની જાહેરાત પછી ખેડૂતો માલ લઇને આવતા ધરમધક્કો થયો હતો. કારણકે સરકારે કરાર કર્યા છે તે મંડળીને માત્ર ફોન દ્વારા મૌખિક સૂચના આપવામાં આવી હતી. લેખિત પરિપત્ર ન આવતા ખરીદી થઇ ન હતી. ખેડૂતો નિરાશ થયા હતા. ખેતીવાડી અધિકારીઓ પણ કેન્દ્ર શરૂ કરાવવા પહોંચ્યા હતા. ખેડૂતોએ કહ્યું કે, માત્ર નોંધાયેલા નહીં બીજા ખેડૂતોનો માલ પણ ખરીદવો જોઇએ. હવે આવતીકાલે શું થશે તે પ્રશ્ન સૌ કરી રહ્યા છે.  મોરબીમાં ખરીદી શરૂ કરવા માટે માર્કેટીંગ યાર્ડ દ્વારા મુખ્ય પ્રધાનને રજૂઆત થઇ છે. નોંધણી માટે વેબસાઇટ બંધ થઇ ત્યાં સુધી ફક્ત 59 ખેડૂતો નોંધાયા છે. 628 ખેડૂતો રહી જતા તેમની મગફળી ખરીદવા માટે કહેવામાં આવ્યું છે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer