બીટી કપાસિયાના ભાવ આ મોસમમાં ઘટાડવામાં આવશે

બીટી કપાસિયાના ભાવ આ મોસમમાં ઘટાડવામાં આવશે
નવી દિલ્હી, તા. 9 માર્ચ  બીટી કપાસિયાની બોલગાર્ડ-2 જાતના ભાવ આ વર્ષે ઘટાડવામાં આવે તેવી સંભાવના છે. આગામી ખરીફ મોસમ માટે કપાસિયાના ભાવ વિષે કેન્દ્ર સરકારે નીમેલી નિષ્ણાત સમિતિએ આ વિવાદાસ્પદ બિયારણના ભાવ ઘટાડવાની ભલામણ કરી છે.    અત્યારે 800 ગ્રામ કપાસિયાનું પેકેટ રૂ. 450 માં વેચાય છે. સમિતિની ભલામણોનો અમલ થાય તો બિયારણ બનાવતી કંપનીઓ અને વિક્રેતાઓને પેકેટ દીઠ રૂ. 50 ઓછા મળશે જયારે વિદેશી મલ્ટિનેશનલ મોન્સાન્ટોની ભારતીય સબીસીડિયરી કંપની મહાયકો મોન્સાન્ટો બાયોટેક લિ. ને મળતી ટ્રેઇટ વેલ્યૂ અથવા રોયલ્ટીમાં પેકેટ દીઠ રૂ. 10નો કાપ મુકાશે, જે હાલના રૂ. 49થી ઘટીને રૂ. 39 થશે. સમિતિની ભલામણો સરકાર દ્વારા સામાન્ય રીતે સ્વીકારવામાં આવે છે.    મોદી સરકારે 2015માં કોટનસીડ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર બહાર પાડ્યા પછી સમિતિની આ ત્રીજી બેઠક હતી. પ્રથમ બેઠકમાં પેકેટ દીઠ રોયલ્ટી રૂ. 130થી ઘટાડીને રૂ. 49 કરાઈ હતી, જયારે બીજી બેઠકમાં ભાવ યથાવત્ રખાયા હતા.    સમિતિમાં ખેડૂતોના પ્રતિનિધિ બી. સુગુણાકર રાવે કહ્યું હતું કે અમે  સંશોધન અને વિકાસ ખર્ચ રૂ. 30થી ઘટાડીને રૂ. 20 અને વિક્રેતાઓનો નફો રૂ. 75થી ઘટાડીને રૂ. 60 કરવાની ભલામણ કરી છે.    જો કે બિયારણના ભાવ ઘટાડવાની હિલચાલથી બિયારણ બનાવતી કંપનીઓ નારાજ છે. નેશનલ સીડ્ઝ એસોસિયેશન     અૉફ ઇન્ડિયાએ કહ્યું છે કે બિયારણના ભાવ ઘટાડાથી તેની અછત સર્જાવાની શક્યતા છે. `આ ભાવ પોસાણક્ષમ નથી. ઘણી કંપનીઓ ભવિષ્યમાં આ ભાવે બિયારણ પેદા નહીં કરી શકે,` એમ એનએસએઆઈના પ્રમુખ એમ. પ્રભાકર રાવે કહ્યું હતું.    એસોસિયેશનનું કહેવું છે કે બિયારણના ભાવ છેલ્લાં છ-સાત વર્ષથી યથાવત્ રહ્યા છે. વાસ્તવમાં છેલ્લાં બે વર્ષમાં તો ઉત્પાદનખર્ચ વધતો જતો હોવા છતાં ભાવ ઘટાડવામાં આવ્યા છે.  એસોસિયેશને બોલગાર્ડ-2 પરની રોયલ્ટી નાબૂદ કરવાની માગણી કરી છે. તેની દલીલ છે કે આ બિયારણે રોગ સામે લડવાની તેની અસરકારકતા ગુમાવી દીધી હોવાથી તેના પર રોયલ્ટી ચૂકવવાની જરૂર ન હોવી જોઈએ.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer