જીએમ સોયાબીનની ગેરકાયદે આયાત અટકાવવા ડીજીએફટીને આદેશ

જીએમ સોયાબીનની ગેરકાયદે આયાત અટકાવવા ડીજીએફટીને આદેશ
નવી દિલ્હી, તા. 9 માર્ચ   કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયે જેનેટિકલી મોડીફાઇડ (જીએમ) સોયાબીનની ગેરકાયદે કરાઈ રહેલી આયાત અટકાવવા માટે ડિરેક્ટરેટ જનરલ ઓફ ફોરીન ટ્રેડને આદેશ આપ્યો છે.    ડીજીએફટીને લખેલા એક પત્રમાં મંત્રાલયે કહ્યું છે કે અમને અમેરિકા અને યુક્રેઇન જેવા દેશોમાંથી દેશમાં જીએમ સોયાબીનની ગેરકાયદે આયાત થતી હોવાની માહિતી મળી છે. આ દેશોમાં ઉગાડાતું સોયાબીન મોટા ભાગે જીએમ જ હોય છે. `આ સંદર્ભમાં જણાવવાનું કે તમામ પ્રકારના જીએમ જીવંત પદાર્થો અને તેમની બનાવટોનું નિયમન કરનારી સંસ્થા જેનેટિક એન્જિનિયરીંગ અપ્રેઈઝલ કમિટીએ જીએમ સોયાબીન કે તેમાંથી બનાવેલી અન્ય કોઈ ચીજની આયાતની પરવાનગી આપી નથી,'  એમ મંત્રાલયે ઉમેર્યું હતું.   આ બાબતે જરૂરી પગલાં લેવાં અને સંબંધિત અધિકારીઓ અને સંસ્થાઓને જીઈએસીની મંજૂરી વગર જીએમ સોયાબીનની કોઈ પણ સ્વરૂપે આયાત ન કરવા દેવાની સૂચના આપવા તમને વિનંતી છે, એમ પત્ર વધુમાં જણાવે છે.   જીએમ  સોયાબીનની ગેરકાયદે આયાત વિષે કોએલિશન ફોર જીએમ-ફ્રી ઇન્ડિયા નામના જૂથે જીઈએસીને લખેલા પત્રના પગલે મંત્રાલયનો આદેશ આવી પડ્યો છે. જૂથે  આ બાબતમાં સંપૂર્ણ તપાસ કરવાની માગણી કરીને જીઈએસીને અનુરોધ કર્યો હતો કે   બંદરો ઉપર આયાતી સોયાબીન કુદરતી   (નોન-જીએમ) છે કે કેમ તેનું પરીક્ષણ કરવાની વ્યવસ્થા કરો.       જૂથની ફરિયાદ અનુસાર દર વર્ષે દેશમાં વાવેતર અને પિલાણ માટે હજારો ટન સોયાબીન દાણાની આયાત કરાય છે. છેલ્લા એકાદ વર્ષથી જીએમ જાતોની ગેરકાયદે આયાત થઇ રહી છે, એમ કોએલિશનના એક સભ્ય કવિતા કુરુગંટીએ જણાવ્યું હતું.  `સંસદીય સમિતિ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ જીએમ ખાદ્યો સામે લાલ બત્તી ધરી હોવા છતાં અને સુપ્રીમ કોર્ટ પણ જ્યારે આ મામલે વિચારણા કરી રહી હોય ત્યારે  નિયામકો આ જોખમી પદાર્થોની આયાતને રોકી ન શકે તે બેજવાબદારીનો નમૂનો છે,' એમ કુરુગંટીએ ઉમેર્યું હતું.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer