નીરવ મોદી કૌભાંડ બાદ સોનાના ઝવેરાતની ચમક ઘટી

નીરવ મોદી કૌભાંડ બાદ સોનાના ઝવેરાતની ચમક ઘટી
કોલકાતા, તા. 9 માર્ચ  ફેબ્રુઆરીની શરૂઆતમાં નીરવ મોદી રૂા.12,900 કરોડના કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ગ્રાહકો સોનાની પ્યોરિટી બાબતે ચિંતિત થતાં ખરીદી અટકાવી હોવાથી દેશમાં સોનાના ઝવેરાતનું વેચાણ 15થી 20 ટકા ઘટયું છે, એમ વેપારીઓનું કહેવું છે.   ગીતાંજલિ ગ્રુપ દ્વારા સિન્થેટિક હિરાને સાચા હિરા તરીકે વેચાણ કરતું હતું એવા રિપોર્ટ આવ્યા હતા. આનાથી ગ્રાહકોમાં ભય નિર્માણ થયો હોવાથી ગ્રાહકો હવે તેમના ઝવેરાતની ગુણવત્તા બાબતે જ્વેલર્સ પાસે જઈ પૂછપરછ કરે છે એમ અૉલ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશન (જીજેએફ)ના ચૅરમૅન નીતિન ખંડેલવાલે જણાવ્યું હતું. ઘણા ગ્રાહકો સોનામાં હોલમાર્કિંગ ફરજિયાત થાય એની રાહ જોતા હોવાનું વેપારીઓનું કહેવું છે. સરકારે સંકેત આપ્યો હતો કે જાન્યુઆરીથી હોલમાર્કિંગ ફરજિયાત થશે પરંતુ નિયમ હજી મૂકાયો નથી.   કોઈ પણ સમયે હોલમાર્કિંગ ફરજિયાત થઈ શકે છે, એમ ઇન્ડિયન ઍસોસિયેશન અૉફ હોલમાર્કિંગ સેન્ટર્સના પ્રેસિડેન્ટ હર્ષદ અજમેરાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડસના બ્યુરોએ નિયમોનો અભ્યાસ કરીને કાયદા મંત્રાલયને સુપરત કર્યો છે.   દેશમાં સોનાના ઝવેરાતનું બજાર રૂા.3 લાખ કરોડનું છે. પીએનબીના કૌભાંડમાં નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ વિદેશી બૅન્કો પાસેથી બનાવટી બૅન્ક ગેરેન્ટીથી લોન મેળવી હતી જેમાં બૅન્કના કર્મચારીઓનો પણ સહભાગ હતો.  ચોક્સીના ગીતાંજલિ ગ્રુપે આ બાબતે કોઈ ટિપણી આપી નથી. ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશન (ઈબ્જા)ના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કૌભાંડોના પગલે ઝવેરાતની માગમાં ઘટાડાની પુષ્ટી આપી હતી.   જોકે, આ મહિનાના અંતે સ્થિતિ સુધરશે એવું અમારું માનવું છે. જો દરેક જ્વેલર્સ માટે હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવે તો લોકો હિરા-જડિત ઝવેરાતને બદલે પ્લેન ગોલ્ડ ઝવેરાત ખરીદશે, એમ મહેતાએ જણાવ્યું હતું.   અમુક વેપારીઓનું કહેવું છે કે સોનાના વધતા ભાવની અસર પણ માગ ઉપર પડી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવિત સ્ટીલ અને એલ્યુમિનિયમના વેરા દર, યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની પૉલિસી મિટિંગ અને અમેરિકાના રોજગાર આંકડાની રાહે ગુરુવારે સોનાના ભાવ સ્થિર રહ્યા હતા.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer