કેન્દ્ર સરકારે આરબીઆઈ પાસે રૂ. 130 અબજના વધારાના ડિવિડન્ડની માગ કરી

કેન્દ્ર સરકારે આરબીઆઈ પાસે રૂ. 130 અબજના વધારાના ડિવિડન્ડની માગ કરી
પીટીઆઈ  નવી દિલ્હી, તા. 9 માર્ચ  સરકારે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) સમક્ષ રૂા.130 અબજના વધારાના ડિવિડન્ડની માગણી કરી છે. અગાઉ આરબીઆઈએ રૂા.306.59 અબજ ડિવિડન્ડ પેટે ટ્રાન્સફર કર્યા છે.   આર્થિક બાબતના સચિવ સુભાષ સી ગર્ગે જણાવ્યું હતું કે, સરકાર આરબીઆઈ પાસેથી આ મહિને વધુ ડિવિડન્ડની અપેક્ષા રાખે છે.   અૉગસ્ટમાં આરબીઆઈએ જૂન 2017માં અંત થતા નાણાકીય વર્ષ માટે રૂા.306.59 અબજના ડિવિડન્ડની ચૂકવણી કરી હતી. જે વર્ષ 2015-16માં ચૂકવેલા રૂા.658.76 અબજની સરખામણીમાં અડધાથી પણ ઓછા છે.   સરકારે રૂા.130 અબજના વધારાના ડિવિડન્ડની માગણી કરી છે, જે રૂા.306.59 અબજ ટ્રાન્સફર કરેલી રકમ કરતા વધુ છે, એમ રાજ્ય કક્ષાના નાણાપ્રધાન પી. રાધાક્રિષ્ણને લોકસભામાં લેખિત જણાવ્યું હતું.   તેમણે ઉમેર્યું હતું કે, વધારે ભંડોળની માગણી માલેગામ કમિટીની ભલામણોને પગલે કરવામાં આવી છે. સરકાર રાજકોષીય ખાધને અંકુશમાં રાખવાના પ્રયત્નો કરી રહી છે, જે જીડીપી કરતા 3.5 ટકા વધી છે. જ્યારે બજેટમાં 3.2 ટકાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.   આરબીઆઈ એક્ટ, 1934 અંતર્ગત કેન્દ્રીય બૅન્કે ડૂબવાપાત્ર અને શંકાસ્પદ કરજ, અસ્ક્યામતનું અવમૂલ્યન, સ્ટાફને વિતરણ અને વાર્ષિક ભંડોળની જોગવાઈ કરીને સરકારને વધારાનું ભંડોળ ચૂકવવાનું હોય છે.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer