આરબીઆઇએ સોનું, હીરા અને કીમતી નંગમાં ભાવ જોખમનાં હેજિંગની પરવાનગી નકારી

મુંબઈ, તા. 20 માર્ચ
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)એ વિદેશી બજારોમાં કૉમોડિટી ભાવ જોખમ અને નૂર જોખમના હેજિંગના આદેશોમાં સુધારણા કરી છે, જે મુજબ ભાવ જોખમ સામે હેજિંગ થનારી કૉમોડિટીમાંથી સોનું, હીરા અને કીમતી પથ્થરોને બાદ કરવામાં આવ્યા છે. 
પંજાબ નેશનલ બૅન્કના રૂા. 12,600 કરોડના લેટર અૉફ ક્રેડિટના પગલે કૌભાંડ (જેમાં જેમ્સ અને જ્વેલરી ટ્રેડ માટે કંપનીઓની તરફેણમાં મુંબઈની બ્રાન્ચમાં અમુક અધિકારીઓએ બનાવટી લેટર અૉફ ક્રેડિટ ઈસ્યૂ કર્યા હતા) આરબીઆઈએ આ નિર્ણય  લીધો છે. 
ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં હેજિંગ કરવામાં આવે છે, જેથી ઓળખી અને માપી શકનારાં જોખમમાં ઘટાડો થઈ શકે. આરબીઆઈના નવા આદેશથી સોનું, હીરા અને કીમતી પથ્થરોને બાદ કરતાં દરેક કૉમોડિટી ઉપર સીધા એક્સપોઝરના કિસ્સામાં હેજ થઈ શકશે. પરોક્ષ એક્સપોઝરમાં ભાવ જોખમનું હેજ થઈ શકે છે એવી કૉમોડિટીમાં ઍલ્યુમિનિયમ, કોપર, લેડ, ઝિન્ક, નિકલ અને ટીનનો સમાવેશ છે. આરબીઆઈએ જણાવ્યું છે કે આ સુધારિત આદેશ એક એપ્રિલ, 2018ના રોજથી અમલી બનશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer