ઘઉં વેચવા રાજકોટ યાર્ડમાં વાહનોની કતાર

ઘઉં વેચવા રાજકોટ યાર્ડમાં વાહનોની કતાર
ગૂણી લાવવાની મનાઇ કરાતાં ખેડૂતો 300 કરતાં વધારે વાહનોમાં ઘઉં લાવ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 20 માર્ચ
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ગુણી લાવવા માટે મનાઇ ફરમાવવામાં આવી છે. પરંતુ વાહનોને છૂટ આપવામાં આવતા બેડીસ્થિત યાર્ડમાં 300 કરતા ય વધારે નાના-મોટાં વાહનો ભરીને ખેડૂતો ઘઉં લાવતા યાર્ડમાં કતારો જામી હતી. આમ આજે ઊભા વાહનોની હરાજી કરાઇ હતી. 
બેડી યાર્ડ ગુજરાતનું સૌથી મોટું યાર્ડ છે છતાં બીજી જણસીઓને લીધે જગ્યા ખૂટી પડી છે. ઘઉંની સિઝન હવે જામી છે એટલે ખેડૂતો પુરજોશમાં વેંચી રહ્યા છે. યાર્ડ દ્વારા સોમવારે જ ગુણી લાવવાની ના ભણીને ફક્ત વાહનોનો તોલ કરાશે એવી જાહેરાત  કરાઇ હતી. ખેડૂતો મોટાંપાયે વાહનોમાં માલ લાવ્યા હતા. વાહનોનો વે બ્રિજમાં તોલ કરીને ખરીદ-વેચાણ કરવામાં આવ્યું હતું.
માર્ચ અંતનો સમય નજીક આવી રહ્યો છે અને હવે ફક્ત શનિવાર સુધી યાર્ડમાં કામકાજ ચાલુ રહેવાનું છે એ પૂર્વે માલનો પુરવઠો ક્લિયર કરાવવા માટે યાર્ડ દ્વારા નવી આવકો પર ધીરે ધીરે રોક લગાવવામાં આવશે. હવે ઘઉંની આવકો ગુણીમાં થવા દેવામાં આવે તો 50 હજાર ગુણી આવી જાય તેમ છે. જેનો શનિવાર સુધીમાં નિકાલ થઇ શકે નહીં એટલે હવે વાહનોને જ છૂટ આપવામાં આવશે, એમ યાર્ડના સૂત્રોએ કહ્યું હતું.
રાજકોટ યાર્ડમાં લોકવન ઘઉંનો ભાવ પ્રતિમણ રૂા.315-350 અને ટૂકડાનો ભાવ રૂા.320-390 રહ્યો હતો. મિલબર ઘઉં રૂા.300-310માં વેચાય છે.
સૌરાષ્ટ્રમાં ઘઉંનું વાવેતર ખૂબ સારું રહેતા ઉત્પાદન પણ બમ્પર થયું છે. હવામાનનો સાથ મળવાને લીધે ગુણવત્તા પણ શ્રેષ્ઠ રહી છે ત્યારે ઘઉં ખરીદવા માટે હવે સારો સમય આવી ગયો છે. એપ્રિલમાં બારમાસી માગ ખૂલવાની ધારણા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer