યુરિયાના ભાવ 2020 સુધી નિયંત્રણ હેઠળ

યુરિયાના ભાવ 2020 સુધી નિયંત્રણ હેઠળ
ખાતરના ક્ષેત્રે ભાવનિયંત્રણ મુક્તિની કોઈ શક્યતા જણાતી નથી  મુંબઈ, તા. 20 માર્ચ  સરકારે ગયા અઠવાડિયે યુરિયાની સબસિડી વર્ષ 2019-20 સુધી લંબાવવાની જાહેરાત કરતા ખાતરના શૅર્સમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ તેમાં રાજી થવા જેવું કંઈ નથી.  કારણ કે, સરકારના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2020 સુધી યુરિયાના ભાવ ઉપર નિયંત્રણ રાખવામાં આવશે. આનો અર્થ એ કે પેટ્રોલિયમ ક્ષેત્રમાં આવી તેવી ભાવમુક્તિ ખાતરના ક્ષેત્રે નહીં આવે. દરમિયાન સરકારે રૂા.23,000 કરોડની  સબસિડીની ચુકવણી કરવાની બાકી છે.   તેમ છતાં શૅરબજારના રોકાણકારો યુરિયાના વપરાશકારોને મળી રહેલા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) સ્કીમના ફાયદાને ગણતરીમાં લઈ રહ્યા છે. સરકાર યુરિયાની આયાત અંકુશમાં રાખવા માટે અટકી પડેલા કારખાનાંને ફરી શરૂ કરવા માગે છે અને અન્ય પગલાં પણ લઈ રહી છે. ડીબીટી અંતર્ગત ઉત્પાદક તેનો માલ વેચે એના સાત દિવસમાં સબસિડીની રકમ તેને મળી જાય છે. અત્યારે સબસિડીની રકમ ઉત્પાદકો સુધી પહોંચતા એક અઠવાડિયાથી એક મહિનો લાગી જાય છે.   જોકે, ડીબીટી યોજનાના ફાયદા વપરાશકારને છે, તેમ ઉત્પાદકોને ગેરફાયદો અમુક દૃષ્ટિએ છે. આ યોજના સંપૂર્ણ રીતે કાર્યક્ષમતાની ચાલતી નથી. ઉત્પાદકોને કાચા માલના ખર્ચ વધ્યા છે અને ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ની અસર થઈ છે.  રિફંડમાં વિલંબ થતો હોવાથી મોટા ભાગની રકમ કર પ્રણાલીમાં અટવાયેલી રહેશે. જેથી કાર્યકારી મૂડીની ખેંચ પડશે, એવી ફરિયાદ ઉત્પાદકોની છે.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer