નિકાસ ક્વોટા યોજના ફરી દાખલ કરવાની ખાંડ મિલોની માગણી

નિકાસ ક્વોટા યોજના ફરી દાખલ કરવાની ખાંડ મિલોની માગણી
મુંબઈ, તા. 20 માર્ચ  ખાંડના સતત ઘટી રહેલા ભાવને ટકાવવા માટે ખાંડ મિલોએ કેન્દ્ર સરકારને અગાઉની મિનિમમ ઇન્ડિકેટિવ એક્ષ્પોર્ટ ક્વોટા (એમઆઈઈક્યુ) યોજનાને ફરીથી દાખલ કરવાની માગણી કરી છે.  ખાંડની 2015-16ની સિઝન માટે સપ્ટેમ્બર 2015માં દાખલ કરાયેલી આ યોજના અન્વયે મિલોને કુલ 40 લાખ ટન સફેદ ખાંડની (મિલવાર નિકાસમર્યાદા સહિત) નિર્દિષ્ટ સમયગાળા દરમિયાન નિકાસ કરવાની પરવાનગી મળતી હતી. આ યોજનાનો આશય દેશમાં વધારાના પુરવઠાને ઓછો કરવાનો હતો.  આ યોજના રજૂ થયાંના છ મહિનામાં જ સરકારે તેને પાછી ખેંચી લીધી હતી. કેમકે 2016-17માં ખાંડનું ઉત્પાદન ઓછું થવાની આગાહી કરાઈ હતી. તે સમયે સરકારે પણ શેરડીના ખેડૂતોને ક્વિન્ટલ દીઠ રૂા. 4.5 તેમના ખાતામાં સીધેસીધા ચૂકવ્યા હતા.  ખાંડ ઉદ્યોગે દલીલ કરી હતી કે તેમની સ્થિતિ આ વર્ષે વધારે ખરાબ છે. ગયા વર્ષની લગભગ 40 લાખ ટનની પુરાંત છે, આ વર્ષે બીજા 40-50 લાખ ટન વપરાશ કરતાં વધુ ઉત્પાદન થશે અને આગામી વર્ષે પણ વિક્રમ ઉત્પાદન થવાની અપેક્ષા છે.  પ્રવર્તમાન સિઝનમાં ઓછામાં ઓછી 20 લાખ ટન સફેદ ખાંડની નિકાસ માટે એમઆઈઈક્યૂ સ્કીમ ફરીથી શરૂ કરવી જોઈએ અને આગામી સિઝન માટે પણ 40 લાખ ટન કાચી ખાંડની નિકાસને પણ પરવાનગી આપવી જોઈએ એમ ઇન્ડિયન સુગર મિલ્સ ઍસોસિયેશન (ઇસ્મા)ના ડિરેક્ટર જનરલ અવિનાશ વર્માએ કહ્યું હતું.  પ્રવર્તમાન સિઝનના અંતે 84.90 લાખ ટન ખાંડનો વધારાનો પુરવઠો રહેવાની ધારણા છે. ખાંડનો સ્થાનિક વાર્ષિક વપરાશ લગભગ 250 લાખ ટન હોવાનો અંદાજ છે. જાન્યુઆરીમાં સરકારે ક્વોટા અમલી બનાવ્યો હતો. જે મુજબ મિલોને  ફેબ્રુઆરી મહિનાનું ઉત્પાદન અને જાન્યુઆરી મહિનાની બાકી પુરાંતના 17 ટકા જથ્થો બજારમાં વેચવાની છૂટ અપાઈ હતી. માર્ચમાં મહિનાનું ઉત્પાદન અને ફેબ્રુઆરી મહિનાની બાકી પુરાંતના માત્ર 14 ટકા જેટલી ખાંડ બજારમાં વેચવાની છૂટ અપાઈ હતી.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer