કચ્છના ઉદ્યોગોને અપાતું પાણી બંધ થયું


ત્વરિત પગલાં ભરવામાં નહીં આવે તો એકમો બંધ થવા લાગશે : ફોકીઆ

વડોદરા, તા. 15 મે
ગુજરાત સરકારે ઉદ્યોગોને પાણી પુરવઠો આપવાનું બંધ કર્યા બાદ સરહદી કચ્છ જિલ્લામાં આવેલી કંપનીઓ પાણીની ભયંકર તંગીનો સામનો કરી રહી છે. કચ્છના ઔદ્યોગિક સંગઠને એવી ભીતિ દર્શાવી હતી કે જો આગામી થોડા દિવસોમાં ત્વરિત પગલાં નહીં લેવામાં આવે તો કેટલાક એકમો બંધ પડી શકે છે.
ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.એ ગત 11મી એપ્રિલના કચ્છમાં એકમોને પોતાની અંજાર-માંડવી પાઇપલાઇન મારફત અપાતો પાણીનો 85 એમએલડીનો જથ્થો બંધ કરી નાખ્યો હતો. નર્મદાનાં પાણી કચ્છમાં રહેવાસીઓને, ઔદ્યોગિક એકમોને ફાળવવામાં આવે છે, પરંતુ કંપનીઓની કુલ 300 એમએલડીની જરૂરિયાતની સામે અપાતો આ જથ્થો હવે બંધ થઇ ગયો છે.
પીટીઆઇના હેવાલ મુજબ, ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના (ફોકીઆના) એમ.ડી. નિમિષ ફડકેએ જણાવ્યું હતું કે, `પાણી જરૂરિયાત સંતોષવા આગામી થોડા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો કેટલાક એકમો નાછૂટકે બંધ થઇ જશે. આ સંભવિત બંધથી હજારો કામદારોની છટણી થશે અને પરોક્ષ રોજગારી છિનવાઇ જશે'.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer