ફાઈનાન્સ પેનલ જુલાઈમાં ગુજરાત જશે


સરકાર 80 ટકા વધુ ભંડોળ માગશે

ગાંધીનગર, તા. 15 મે
15માં નાણા પંચ અંતર્ગત ગુજરાત સરકાર કેન્દ્ર પાસેથી રૂા.2.5 લાખ કરોડની ફાળવણીની માગ કરશે. જે 14માં નાણાકીય પંચની ફાળવણી કરતાં 80 ટકા વધુ છે. 
એક વરિષ્ઠ આઈએએસ ઓફિસરના કહેવા મુજબ, 15મા પંચ (2020-2025)માં માગ કરવા માટેનો ડ્રાફ્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. કેન્દ્ર પાસેથી વધુ ભંડોળ માગવા પાછળનું કારણ એ છે કે કેન્દ્ર દ્વારા ફાળવણી કરવામાં આવતા ભંડોળનો ઉપયોગ કરવામાં ગુજરાતનો સારો રેકર્ડ છે. શ્રેષ્ઠ કામગીરી કરતાં રાજ્યો જેવા કે ગુજરાતને નુકસાન થવું જોઈએ નહીં. 13મા નાણાકીય આયોગમાં રાજ્યને રૂા.53,790 કરોડ અને 14મા નાણાકીય આયોગમાં રૂા.1,39,725 કરોડ મળ્યા હતા. અમને ધારણા છે કે આ વખતે અમને રૂા.2.5 લાખ કરોડ મળશે. 
ફાઈનાન્સ પેનલના સભ્યો જૂનના અંતે અથવા જુલાઈના પહેલા અઠવાડિયામાં ગુજરાતની  મુલાકાત લેશે એવી ધારણા છે. દરેક સરકારી વિભાગને પાંચ વર્ષના પ્રોજેક્ટ્સ અને ભંડોળ જરૂરિયાતનો અહેવાલ આપવા માટે જણાવ્યું છે. ઓફિસરે કહ્યું કે, અમે 14મા નાણાકીય આયોગને ગુજરાતને વધુ ભંડોળ આપવા માટે જણાવ્યું છે કેમ કે ગુજરાતમાં વસ્તી, શ્રેષ્ઠ કામગીરી અને વિકાસકાર્યોને પૂર્ણ કરવાની ક્ષમતા વધુ છે.
વર્તમાનમાં કેન્દ્રના કુલ ભંડોળમાંથી ફક્ત ત્રણ ટકા ફાળવણી ગુજરાતને થાય છે, જ્યારે દેશની કુલ વસ્તીમાં પાંચ ટકા વસતી ગુજરાતમાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer