કૃષિ?પેદાશોના ભાવ વધવા માટે વેપારીઓ નહીં, માગ અને જાગતિક પ્રવાહો જવાબદાર


નવી દિલ્હી, તા. 15 મે
 લણણીની સિઝન પૂરી થયા બાદ મંડીમાં પાકના ભાવ ઝડપભેર વધી જાય છે એવો કોઈ પુરાવો નથી. આ માહિતી આવકો ઘટવા લાગે એટલે વેપારીઓ કૃત્રિમ રીતે ભાવ વધારી મૂકે એવી સામાન્ય માન્યતાથી વિપરીત છે.
કઠોળ અને તેલીબિયાં જેવા પાકની બાબતમાં જ્યાં સરકારની લઘુતમ ટેકાના ભાવની ખરીદી ખાસ અસરકારક રહી નથી તેમાં પણ લણણીની મોસમ અને ત્યાર પછીના ગાળામાં ભાવમાં ભાગ્યે જ મોટી વધઘટ થતી જણાય છે. સામાન્ય આર્થિક સ્થિતિ અને ચીજવસ્તુઓના આંતરરાષ્ટ્રીય ભાવ (ખાસ તો તેલીબિયામાં જ્યાં મોટાભાગની સ્થાનિક જરૂરિયાત આયાત વડે પૂરી કરાય છે) ટ્રેડરોનાં કાર્ટેલ કરતાં મંડીના ભાવને ઘણી વધારે અસર કરે છે. મે 2018 સુધીના સાત મહિનામાં છ મુખ્ય ખરીફ પાકના ભાવની વધઘટના વિશ્લેષણ પરથી જણાય છે કે બજારમાં તુવેર, મગ અને અડદની આવકો ઘટી હોવા છતાં દાળના ભાવ સ્થિર રહ્યા હતા. પરંતુ સોયાબીન, મગફળી અને મકાઈના સ્થાનિક ભાવ, આંતરરાષ્ટ્રીય ભાવ મજબૂત થવાથી વધી ગયા હતા.
તુવેરનાં મુખ્ય ઉત્પાદક મથકો જેમકે મધ્યપ્રદેશમાં નરસિંઘપુર, મહારાષ્ટ્રમાં લાતુર તેમ જ કર્ણાટકમાં ગુલબર્ગામાં અૉક્ટોબરની મધ્યથી નવી આવકોનો આરંભ થતાં મંડીઓમાં તુવેરના ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 3400થી રૂા. 4150 રહ્યા હતા એમ એગમાર્કનેટનું જણાવવું છે.
4થી મેએ નવી આવકોના આરંભના સાત મહિના બાદ આ ત્રણ રાજ્યોમાં તુવેરના ક્વિન્ટલ દીઠ ભાવ રૂા. 3370થી રૂા. 3920 રહ્યા હતા. મંડીના તુવેરના ભાવ ક્વિન્ટલદીઠ રૂા. 5450ના ટેકાના ભાવ કરતાં ઘણા ઓછા છે કેમ કે સરકારી ખરીદીની પ્રક્રિયા અસરકારક રહી નથી.
બીજી તરફ ગયા વર્ષે નવેમ્બરથી સોયાબીનના મંડીના ભાવ વધવા શરૂ થયા છે કેમ કે આયાતી સોયાબીન મોંઘા થયા હતા. સોયાબીનના વેપારના મુખ્ય કેન્દ્ર ઇન્દોરમાં નવેમ્બરમાં સોયાબીનના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. 2700થી વધીને એપ્રિલના અંતે રૂા. 3500 થયા હતા. તેજ પ્રમાણે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન મગફળીના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. 3500 હતા તે આ મહિને રાજકોટમાં વધીને રૂા. 3750 થયા છે એમ એગમાર્કનેટની માહિતીમાં જણાવાયું છે. આ ભાવવધારો જાગતિક બજારને અનુરૂપ છે. મોટા ભાગનો ખરીફપાક અૉક્ટોબરથી બજારમાં આવવો શરૂ થાય છે અને મંડીમાં જાન્યુઆરી બાદ આવકો આવવાનું પ્રમાણ ઘટે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer