ડૉલરમાં તેજીથી સોનું સળંગ ત્રીજા દિવસે નરમ


અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 મે
ઇઝરાયેલમાં અમેરિકાની એમ્બસીના આરંભ પૂર્વે સૈન્યએ ગાઝા સરહદ ઉપર ડઝન કરતાં વધારે પેલેસ્ટાઇન સમર્થકોની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ પ્રકારના બનાવને ગંભીરતાથી લેવાના સ્થાને ફંડો અને રોકાણકારોએ ડોલરની તેજીને લક્ષ્યમાં લઇને સોનાની વેચવાલી કાઢતા સળંગ ત્રીજા દિવસે નરમાઇ આવી હતી. ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ 1309 ડોલરની સપાટીએ પહોંચ્યો હતો.
અમેરિકામાં 10 વર્ષના ટ્રેઝરી બોન્ડના યીલ્ડ સુધરીને 3 ટકા વળતર આપતાં થયાં છે એ ઉપરાંત ડોલરમાં પણ એક દિવસના વિરામ પછી ફરી તેજી આવવાથી સોનામાં નરમાઇ હતી. ક્રૂડતેલના ભાવ વધી રહ્યા છે તેના કારણે ફુગાવો વધી જશે એટલે ફેડ વ્યાજદર વધારો કરવાની દિશામાં ફરીથી વિચારવા લાગશે તેમ સૌ વિચારી રહ્યા છે. અમેરિકામાં ફુગાવો 2 ટકા કરતાં વધારે ઉપર જાય તો ફેડ વ્યાજદર અંગે મજબૂત નિર્ણય લઇ શકશે. જોકે અત્યારે તો હજુ જો અને તોની સ્થિતિ છે. જૂનની બેઠકમાં ફેડ શું નિર્ણય કરે છે તે મહત્ત્વનું છે.
એસપીડીઆર ગોલ્ડ ફંડે સોમવારે વેચવાલી કાઢતા અનામતોમાં 0.17 ટકાનો ઘટાડો થઇને 856.17 ટન સુધી પહોંચી હતી. ચાર્ટ પ્રમાણે સોનાને 1302 ડોલરના સ્તરે ટેકો મળી જાય તેમ છે. આ સ્તર તૂટે તો સોનામાં 1280 સુધીનો ક્રમશ : ઘટાડો આવી શકે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer