મહારાષ્ટ્રમાં સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા સ્પિનિંગ મિલ્સને મળશે સરકારની સબસિડી


મુંબઈ, તા. 15 મે
મહારાષ્ટ્ર રાજ્ય સરકારે એક કમિટીની રચના કરી છે, જે સહકારી સ્પિનિંગ અને ટેક્સ્ટાઈલ મિલોને સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા માટે મદદ કરશે. રાજ્યના ટેક્સ્ટાઈલ વિભાગના અધિકારીઓએ આ સાથે જણાવ્યું હતું કે, કમિટી સબસિડીની વિગતોને અંતિમ સ્વરૂપ આપી રહી છે, આમાં સબસિડી માટે એકમોની યોગ્યતા વિશેના માપદંડ, તેના અમલીકરણ વગેરેનો સમાવેશ છે. 
કમિટીના અધ્યક્ષ ટેક્સ્ટાઈલ ડિરેક્ટર અને મહારાષ્ટ્ર ઊર્જા વિકાસ યોજનાના ડિરેક્ટર જનરલ અધ્યક્ષ હશે અને મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેકટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપનીના અધિકારીઓનો આ કમિટીમાં સમાવેશ હશે, એમ એક અધિકારીએ જણાવતા ઉમેર્યું હતું કે કમિટી બે મહિનામાં રિપોર્ટ સુપરત કરશે.
ફેબ્રુઆરીમાં મંજૂર થયેલી નવી ટેક્સ્ટાઈલ પોલિસી 2018-23માં વિભાગે નક્કી કર્યું છે કે ત્રણ વર્ષ સુધી સહકારી સ્પિનિંગ મિલ્સને વીજળીના મિલમાં પ્રતિ યુનિટ રૂા.3 સબસિડી આપવામાં આવે. સરકારે અન્ય ટેક્સ્ટાઈલ મિલોને પણ સબસિડી આપી છે. આ ત્રણ વર્ષોમાં સહકારી સ્પિનિંગ મિલો અને ટેક્સ્ટાઈલ મિલોએ પોતાની ઊર્જાની જરૂરિયાતને પૂરી કરવા માટે બિન પરંપરાગત ઊર્જાના (સૌર) પ્રોજેક્ટ્સ સ્થાપવાના રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. 
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર દર વર્ષે સબસિડીની સમીક્ષા કરશે જેથી વીજક્ષેત્ર ઉપર માગનું દબાણ ઓછું રહે. વીજળીના ઊંચા દરને લીધે મહારાષ્ટ્રની સ્પિનિંગ મિલો ખોટ કરે છે. આથી અમે સ્પિનિંગ મિલ્સમાં સોલાર પ્લાન્ટ બેસાડવા માટે પ્રોત્સાહન આપવા માગીએ છીએ. આનાથી તેમનું વીજળીનું બિલ ઓછું આવશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer