ગોલ્ડ ઇટીએફમાંથી નાણાંનો ઉપાડ ચાલુ


નવી દિલ્હી, તા. 15 મે
એપ્રિલમાં રોકાણના સાધન ગોલ્ડ એકસ્ચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઇટીએફ)માંથી રોકાણકારો દ્વારા વેચાણનું માનસ ચાલુ રહ્યું જણાયું. સૂચિત મહિને રૂા. 54 કરોડ જેવાં નાણાં પાછાં ખેંચાયાં હતાં. તેના બદલે રોકાણકારો ઇક્વિટી તરફ વળ્યા હતા.
નેટઆઉટફ્લોના કારણે ગોલ્ડ ઇટીએફની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) ઘટીને રૂા. 4802 કરોડ રહી હતી. જે અગાઉના મહિનામાં રૂા. 4806 કરોડ હતી. એસોસિયેશન અૉફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના છેલ્લા આંકડા પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષથી ગોલ્ડ ઇટીએફમાં ટ્રેડિંગનું સેન્ટીમેન્ટ નરમ રહ્યું છે. 2017-'18, 2016-'17, 2015-'16, 2014-'15 અને 2013-'14માં તેમાં આઉટફ્લો અનુક્રમે રૂા. 835 કરોડ, રૂા. 775 કરોડ, રૂા. 903 કરોડ, રૂા. 1475 કરોડ અને રૂા. 2293 કરોડ હતો.
જોકે, 2012-'13માં આ સેગમેન્ટમાં રૂા. 1414 કરોડની મૂડી ઠલવાઈ હતી. સોનાના ભાવમાં 2005થી જોરદાર વધારો થયો હતો અને 2011-'12માં તેમાં નવી ઊંચી સપાટી જોવા મળી હતી. પરંતુ 2012માં તેમાં તીવ્ર ઘટાડો રહ્યો હતો અને ત્યારથી ઔંસદીઠ 1100થી 1200 ડૉલરની રેન્જમાં ચાલે છે. રેન્જ બાઉન્ડ મુવમેન્ટ અને તેની સરખામણીમાં ઇક્વિટી માર્કેટની તેજીને ધ્યાને લેતા ભારતીય રોકાણકારો ગોલ્ડ ઇટીએફમાંથી રોકાણ કાઢી રહ્યા છે. છેલ્લાં પાંચ-છ વર્ષમાં દર વર્ષે ગોલ્ડ ઇટીએફમાંથી ઉપાડ વધી રહ્યો છે. રોકાણકારો હવે ઇટીએફના બદલે ભૌતિક સ્વરૂપમાં ગોલ્ડ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ગયા મહિને 14 ગોલ્ડ લિન્કડ ઇટીએફમાંથી રૂા. 54 કરોડનો ઉપાડ થયો હતો. માર્ચમાં જે રૂા. 62 કરોડનો હતો. જ્યારે ગયા વર્ષના એપ્રિલમાં ગોલ્ડ ઇટીએફમાંથી રૂા. 66 કરોડનો ઉપાડ હતો. બીજી તરફ ઇક્વિટી અને ઇક્વિટી લિન્કડ સેવિંગ્સ સ્કીમ્સ (ઇએલએસએસ)માં ગયા મહિને રૂા. 12,400 કરોડની મૂડી ઠાલવવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer