સ્વતંત્ર ડિરેક્ટર્સ માટેના નિયમ કડક બન્યા


મુંબઈ, તા. 15 મે
કૉર્પોરેટ ગવર્નન્સને સુધારવાના ભાગરૂપ સરકારે સ્વતંત્ર ડિરેક્ટર્સના નિયમોને કડક બનાવ્યા છે, જે મુજબ હવે સંબંધિત કંપનીમાં તેમના સગાંસંબંધીઓનો પણ નાણાકીય સંબંધ હોવો જોઈએ નહીં. 
કૉર્પોરેટ બાબતના મંત્રાલયે કંપની નિયમો, 2014માં ફેરફાર કર્યા છે, જે મુજબ સ્વતંત્ર ડિરેક્ટરનો એકેય સંબંધી કંપનીનો `કરજદાર' હોવો જોઈએ નહીં, તે કંપનીની હોલ્ડિંગ, સબસિડિયરી અથવા એસોસિયેટ કંપનીના પ્રમોટર અથવા ડિરેક્ટર્સ હોવા જોઈએ નહીં. વધુમાં સંબંધીને કંપની અથવા તેના પ્રમોટર્સ અને સબસિડિયરીઓ કોઈ પણ ત્રીજી વ્યક્તિ માટે ગેરેન્ટી અથવા સિક્યુરિટી પ્રદાન કરી શકશે નહીં. 
તેમ જ સતત બે નાણાકીય વર્ષો અથવા વર્તમાન વર્ષમાં પણ રૂા. 50 લાખથી વધુની કિંમતના ટ્રાન્ઝેક્શન ઉપર નિયમન રાખવામાં આવશે. કૉર્પોરેટ ગવર્નન્સ માટેની ઉદય કોટકની કમિટીએ જણાવ્યું હતું કે, બોર્ડનું સંચાલન કરવામાં વિશ્વાસપાત્રતા લાવવી જોઈએ અને અસરકારકતાને સુધારવી જોઈએ. આ કમિટીએ તેમની ભલામણોમાં સ્વતંત્ર ડિરેક્ટર્સની પાત્રતાનો પણ ઉલ્લેખ કર્યો છે. 
નિષ્ણાતોએ આ પગલાંને આવકારતાં જણાવ્યું છે કે સ્વતંત્ર ડિરેકટર હવે પ્રમોટર અથવા કંપનીના પ્રભાવમાં આવશે નહીં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer