નુમેટલે બીજી વારના બીડિંગનો વિરોધ કર્યો અને હવે એ જ બીડ ખોલવાની હઠ


પ્રતિસ્પર્ધીઓ સામે લાભ મેળવવાની ધારણા
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 મે
નાદાર જાહેર થયેલી એસ્સાર સ્ટીલની ખરીદી માટે મહત્ત્વની બીડર નુમેટલે બીજી વારના બીડની જરૂર હોવા બાબતે યુ-ટર્ન લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ નુમેટલે એનસીએલએટીને બીડિંગનો બીજો રાઉન્ડ ધ્યાન ઉપર લેવાની વિનંતી કરી છે, જેમાં તેને પ્રતિસ્પર્ધીઓ સામે લાભ મળે એમ છે.  રશિયન બૅન્ક વીટીબી સાથે મળીને બીડ કરી રહેલી નુમેટલે ધિરાણકર્તાઓને પહેલીવારના બીડ પડતા મૂકીને બીજી વારના બીડ ગણતરીમાં લેવા જણાવ્યું છે. અગાઉ પહેલીવારના બંને બીડર્સ - નુમેટલ અને આર્સેલર મિત્તલે નાદારીની પ્રક્રિયા હેઠળના આ બીડિંગ માટે યોગ્યતા મેળવવા ધિરાણકર્તાઓએ તેમને પોતાનાં બાકી દેવાં ચૂકવી દેવા જણાવ્યું હતું. પરંતુ નુમેટલે ધિરાણકર્તાઓની આ માગણીને કોર્ટમાં પડકારી છે અને હજુ તેનો ચુકાદો આવવાનો બાકી છે.
રૂઈયાની માલિકી ધરાવતી અને રૂા. 44,000 કરોડની એનપીએ ધરાવતી દેશની ચોથી સૌથી મોટી સ્ટીલ કંપની એસ્સાર સ્ટીલની નાદારીની પ્રક્રિયા વહેલી તકે સમીસૂતરી પાર પડે એનું રાજકીય મહત્ત્વ પણ છે. કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી વડા પ્રધાન ઉપર અવારનવાર આમજનતાને ભોગે કોર્પોરેટ ગૃહો અને હસ્તિઓને બચાવી રહ્યા હોવાનો આરોપ કરતા આવ્યા છે. ત્યારે એસ્સાર સ્ટીલના કેસમાં જરાક પણ કાચું કપાય એ ભાજપનું નેતૃત્ત્વ ધરાવતી એનડીએ સરકારને પોસાય એમ નથી. કેમકે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે રૂઈયા વાઈબ્રન્ટ ગુજરાતની સમિટો દરમ્યાન અવારનવાર મોદીની પડખે જોવા મળતા હતા. એટલે આર્થિક રીતે દેશની બૅન્કો માટે અને રાજકીય રીતે પણ એસ્સાર સ્ટીલની નાદારીની પ્રક્રિયા પાછી ઠેલવી સરકારને પરવડે તેમ નથી. એમાંયે એનસીએલટીની અમદાવાદ બેન્ચે આ પ્રક્રિયાને 30 દિવસ તો ઠેલી જ છે. 
ઘટનાક્રમ ઉપર એક નજર
  • 12 ફેબ્રુઆરી : એસ્સાર સ્ટીલની હરાજી માટે બે બીડ્સ મળ્યા - નુમેટલ અને આર્સેલર. 
  • 22 માર્ચ : રેઝોલ્યુશન પ્રોફેશનલે બંને બીડ અમાન્ય ઠેરવ્યા અને બીજી વાર બીડ મગાવ્યા.
  • 22 માર્ચ : નુમેટલે આરપીના નિર્ણય સામે એનસીએલટીના દ્વાર ખખડાવ્યા અને બીજા રાઉન્ડના બીડ નહીં ખોલવાની માગણી કરી.
  • 2 એપ્રિલ : બીજા રાઉન્ડ માટે બીડની છેલ્લી તારીખે નુમેટલ-જેએસડબલ્યુ, આર્સેલર-નિપ્પોન અને વેદાંતાએ બીડ સબમિટ કર્યાં.
  • 4 એપ્રિલ : એનસીએલટીએ એસ્સાર સ્ટીલના લેણદારોને બીજીવારનાં બીડ નહીં ખોલવા આદેશ કર્યો.
  • 20 એપ્રિલ : અદાલતે ધિરાણકર્તાઓને પોતાની અયોગ્યતા દૂર કરવા બીડર્સને સમય આપવા જણાવ્યું અને બીજી વારનું બીડિંગ અમાન્ય ગણાવ્યું.
  • 8 મે : એસ્સાર સ્ટીલના લેણદારોએ નુમેટલ અને આર્સેલર મિત્તલને તેમની સાથે સંકળાયેલી કંપનીઓના મુદત વીતી જવા છતાં નહીં ચૂકવાયેલાં દેવાં ચૂકવી દેવાં જણાવ્યું.
  • 11 મે : એસ્સાર સ્ટીલના લેણદારોની મુદત વીતી ગયા પછીનાં દેવાં ચૂકવી દેવાની માગણી વિરુદ્ધ નુમેટલ એનસીએલએટી અદાલતમાં ધા નાખી.
  • 17 મે : એનસીએલટી અદાલત નુમેટલ કેસની સુનાવણી કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer