શાણા જ્વેલર્સ બૅન્કોથી એક ડગલું આગળ

 
ધિરાણ અંકુશો કડક બને તે પહેલાં લિમિટ વાપરી લીધી
 
કોલકાતા, તા. 15 મે
પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડ પછી જ્વેલર્સ વધુ શાણા બન્યા છે. બૅન્ક લોનનો પ્રવાહ જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રમાં જાન્યુઆરી-માર્ચ દરમિયાન નોંધપાત્ર 5.7 ટકા વધ્યો હતો, આ દર્શાવે છે કે નીરવ મોદી કૌભાંડ બહાર આવ્યા પછી બૅન્કો આ ક્ષેત્રને લોન આપવાના નિયમો કડક બનાવે તે પહેલાં જ જ્વેલર્સએ પોતાની ક્રેડિટ લિમિટને વાપરી લીધી હતી.
રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના જણાવ્યા અનુસાર જ્વેલર્સની બાકી લોન માર્ચ અંત સુધીમાં રૂા.72,700 કરોડની હતી, જે 19 જાન્યુઆરી સુધી રૂા.68,800 કરોડની હતી. માર્ચ 2017માં પૂરા થયેલા વર્ષ 2017-18માં આ ક્ષેત્ર માટેની બાકી લોન રૂા.69,000 કરોડની હતી. અહીં એ નોંધીએ કે પીએનબીએ 29 જાન્યુઆરીએ સીબીઆઈમાં નીરવ મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના માનદમંત્રી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, આ ક્ષેત્ર માટે બૅન્કોએ ક્રેડિટ મર્યાદા ઘટાડી હોવાથી જેમ્સ અને જ્વેલરી વેપાર ચિંતા છે. બૅન્ક આ ક્ષેત્રમાં તેમની ધિરાણ ફાળવણી ઘટાડે એ પહેલા જ વેપારીઓએ કાર્યકારી મૂડી માટેની લોન બંને મળે તેટલી લઈ લીધી હતી.
અમુક નિકાસકારો અને વેપારીઓએ બૅન્ક લોન સામેના વ્યાજની પુન:ચુકવણી પણ કરી છે જેથી તેમના ખાતામાં ભરાવો ઓછો રહે. 
જોકે, જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલના વાઈસ ચૅરમૅન કોલીન શાહે જણાવ્યું હતું કે, સ્થાનિક બજારમાં અક્ષયતૃતીયા હતી, અમેરિકામાં મધર્સ ડે અને ચીનમાં નવા વર્ષની ઉજવણી હોવાથી જ્વેલર્સની બૅન્ક ધિરાણની માગ વધી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer