બજારના ખેલાડીઓ અને એનલિસ્ટ્સમાં ઉત્સાહ-નિરાશાની કશ્મકશ


મુંબઈ, તા. 15 મે
કર્ણાટક વિધાનસભામાં શરૂઆતમાં ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવશે તેવા નિર્દેશોએ શૅરબજારના ખેલાડીઓ અને સમીક્ષકોમાં ઉત્સાહ પ્રેર્યો હતો, પરંતુ બજાર બંધ થયું ત્યારે પળેપળે બદલાતી બહુમતીના આંકડાની સાથે બજારમાં નિરાશા આવતી ગઈ, જેનાથી છેવટે સૂચકાંકોમાં ઘટાડો આવ્યો.  કર્ણાટકમાં વિધાનસભાની 222 સીટ માટે ભાજપ, કૉંગ્રેસ, જેડી(એસ) અને અન્યો વચ્ચે રસાકસી છે. ભારતીય જનતા પાર્ટી કેટલીક સીટથી આગળ ચાલી રહી છે. 
નિષ્ણાતોનું માનવું છે કે અત્યાર સુધીની બહુમતી બજાર માટે વિધેયાત્મક છે. કેટલાકનું માનવું છે કે આ પરિણામો વડે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટેનો પાયો રચાશે. કેટલાક એનલિસ્ટ્સનું માનવું છે કે શૅરબજાર હવે આવક અને અન્ય બૃહદ પરિબળો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.
બજારના અગ્રણી પોરિંજુ વેલૈયાનું માનવું છે કે સ્મોલ અને મિડ કેપમાં ફરીથી ઉછાળો જોવાશે. ચાર મહિના સુધી આ શૅર્સ ઘટતાં રહ્યા પછી તેમાં ફરી તેજી જોવાશે.
કર્ણાટકમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર બની તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં મોટું ટોનિક હશે. 
અમર અંબાણી, પાર્ટનર અને રિસર્ચ વડા, આઈઆઈએફએલ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ : શૅરબજારમાં આ પરિણામો સકારાત્મક અસર લાવશે. સૂચકાંકો સકારાત્મક બનશે. મહત્ત્વનું એ છે કે ભાજપની સાથે કોઈ મજબૂત ભાગીદાર જોડાય તો તેને મહત્ત્વનાં ખાતાં આપવા પડશે. 
વી. કે. શર્મા, હેડ, પ્રાઈવેટ ક્લાયન્ટ ગ્રુપ અને કેપિટલ માર્કેટ સ્ટ્રેટેજી, એચડીએફસી સિક્યુરિટીસ : કૉંગ્રેસ જેડીએસ સાથે મળીને સરકાર રચે તો પણ બજાર અસ્થિર નહીં થાય. બજાર હવે આંતરરાષ્ટ્રીય કૉમોડિટીના ભાવ અને ડાઉ જોન્સ ઉપર નજર રાખશે. ચોમાસું વહેલું શરૂ થવાની આગાહી પણ બજાર માટે સકારાત્મક છે. 
વી. કે. વિજયકુમાર, ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રટેજિસ્ટ, જીઓજીત :  શૅરબજાર માટે તે બાબતો ઘણી સકારાત્મક બનશે. ભાજપ આગેવાની કરી રહી છે તેવું સ્પષ્ટ જોવાયું છે. આ ટ્રેન્ડ જળવાશે તો બજાર મજબૂત બનશે. જોકે, વધવામાં મર્યાદા રહેશે કારણકે ક્રૂડ તેલના ઊંચા ભાવને કારણે દબાણ રહેશે. 
મિડલ ઈસ્ટની સ્થિતિ વોલેટાઈલ બની છે. ક્રૂડતેલના ભાવ ઊંચા રહેશે. તેને કારણે ભારતની કરન્ટ એકાઉન્ટ ખાધ ઉપર અસર થશે જે જીડીપીના 2.4 ટકાએ પહોંચે તેવી ધારણા છે. ફુગાવો વધશે અને વ્યાજદર વધશે તો બજારની વૃદ્ધિ મર્યાદિત રહેશે. ચૂંટણી પરિણામના પ્રતિભાવ બજાર ઉપર ટૂંકા ગાળાના રહેશે. આખરે તો આર્થિક પરિબળો બજારને દિશાસૂચન આપશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer